બસ સ્ટેન્ડ જવા માંગતા યુવાનને ધરાર અટીકા ફાટક તરફ લઈ જઈ બે હજાર લુંટી લીધા: ભકિતનગર પોલીસે ગણતરીની કલાકોમાં ત્રિપુટીને ઝડપી રોકડ, છરી, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
રીક્ષા ગેંગે હવે મોડસ ઓપરેન્ડી બદલી છે. ઉલ્ટી ઉબકાના બહાને નજર ચૂકવી મુસાફરની મત્તા ચોરી કરી લેવાના બદલે હવે છરી બતાવી લુંટી લેવાનું શરૂ કર્યું છે.
રેલ્વે સ્ટેશન બહારથી પીએસઆઈ પુત્રને રિક્ષામાં બેસાડી અટીકા ફાટક નજીક લઈ જઈ ગળા પર છરી મૂકી રૂ. 2 હજારની રોકડ લૂંટી રીક્ષા ગેંગના સાગરીતો નાસી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભકિતનગર પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ત્રિપુટીને ઝડપી રોકડ, છરી અને રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગોંડલ એસઆરપી કેમ્પ ગ્રુપ-8 માં રહેતા એસઆરપી પીએસઆઈના પુત્ર મોહીત બીજેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે હોટેલ ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. ગઇ તા.૨૧/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના સમયે તે ગોંડલથી નીકળી મોરબી જિલ્લાના વાંકાનેરમાં જોબ ઇન્ટરવ્યુ માટે ગયો હતો. ત્યાંથી રાતના આઠ વાગ્યાની આસપાસ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી રાજકોટ આવવા નીકળ્યો હતો અને રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ રાજકોટ રેલ્વે સ્ટેશને ઉતર્યા બાદ અહીંથી એક ઓટો રીક્ષા ઉભી રખાવી તેમા પાછળની સીટમા બેસી રાજકોટ બસસ્ટેન્ડ જવા નીકળ્યો હતો. આ રીક્ષામા અગાઉથી બે વ્યકતિ પાછળની સીટમા બેસેલા હતા. બંનેએ યુવાનને વચ્ચે બેસાવા કહ્યું હતું. હોસ્પિટલ ચોક નજીક પહોંચતા રીક્ષામાં પાછળ બેસેલ બન્ને વ્યક્તિઓએ પુછયુ હતું કે, આગળ કયા જવું છે? જેથી યુવાને કહ્યું હતું કે, મારે ગોંડલ જવું છે. તો તેણે કહેલ કે અમે ગોંડલ જ જઇએ છીએ, તમને ગોંડલ ઉતારી દેશું.યુવાને ના કહ્યા છતા તેને ધરાર બેસાડી રાખ્યો હતો.
અટીકા ફાટક નજીક પહોંચતા ચાલકે રીક્ષા રોડ ઉપર સાઇડમા ઉભી રાખી દીધેલ હતી. બાદ અચાનક સાથે બેઠેલા એક વ્યક્તિએ છરી કાઢી યુવાનના ગળા પાસે રાખી દીધી હતી. બાદમાં યુવાન પાસે રહેલા રોકડા રૂ.૨૦૦૦ કાઢી લીધેલ હતા અને રીક્ષા ચાલુ કરી યુવાનને ધકકો મારી યુવકને ઉતારી દીધો હતો. જે મામલે યુવાને ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લૂંટનો ભોગ બનનાર યુવાન મોહિતભાઈના પિતા બીજેન્દ્રસિંહ ચૌહાણ ગોંડલ એસઆરપી ગ્રુપ -8 માં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સૂચના અનુસંધાને ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. ગોહિલની ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં લૂંટનો ગુનો આચરનાર ત્રિપુટી કૃણાલ રમેશભાઈ પુરબીયા ( ઉવ 25 રહે. નાડોદાનગર શેરી નંબર4- કોઠારીયા રોડ, રાજકોટ), પરેશ કરમશીભાઈ સોરઠીયા (ઉવ 35 રહે. જનાના હોસ્પિટલ પાસે, પુલ નીચે, રાજકોટ) અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચંદુભાઈ અગ્રાવત (ઉવ 31 રહે. નરસંગપરા શેરી નં.-2, જૂની કલેક્ટર કચેરી પાછળ, રાજકોટ)ને ઝડપી લઇ લૂંટમાં ગયેલી રોકડ, છરી અને રીક્ષા સહીતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં પીઆઈ જે.ડી. પરમાર, પીએસઆઈ એસ.એચ.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ નિલેશભાઈ મિયાત્રા, પ્રકાશભાઈ મકવાણા, રવિભાઈ શામજીભાઈ રતનુ,હરવીજયસિંહ સાથે રહ્યા હતા.
ત્રણ ગુનાની કબુલાત આપી: ફરિયાદ નોંધાવવા અપીલ
ત્રિપુટીની પ્રાથમિક પૂછપરછમાં કુલ ત્રણ લૂંટના ગુનાની કબૂલાત આપી હતી. જેથી રીક્ષા ગેંગની લૂંટનો ભોગ બનનાર લોકોને તાત્કાલિક નજીકનાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ભક્તિનગર પોલીસે પ્રજાજનોને અપીલ કરી છે. લૂંટ સમયે કૃણાલ પુરબીયા રીક્ષા ચલાવતો હતો જયારે અન્ય બે શખ્સો પાછળ બેઠા હતા. એસઆરપી પીએસઆઈના પુત્રને લૂંટી લીધા બાદ રીક્ષાચાલકને હજાર રૂપિયા જયારે અન્ય બે શખ્સોએ 500-500 પોતાની પાસે રાખ્યાની કબૂલાત આપી હતી. આરોપીઓ પૈકી
રાજેન્દ્ર વિરુદ્ધ એનડીપીએસ અને દારૂના ગુના તેમજ કૃણાલ વિરુદ્ધ પણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.