BREAKING NEWS

રાજકોટમાં નિવૃત એએસઆઇનો લમણે ગોળી ધરબી આપઘાત

  • December 11, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં નિવૃત એએસઆઈએ રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પોલીસમેન લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા જોઈ પૌત્રએ દોટ મૂકી પડોશીને કહ્યું હતું કે દાદાને ગોળી લાગી છે, આથી પડોશીઓ સહિતના દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ મિત્રો, સ્વજનો સહિતના હોસ્પિટલે દોડી ગયા હતા. નિવૃત પોલીસમેને બીમારીથી કંટાળી પગલું ભર્યાનું જાણવા મળી રહ્યું છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં પુનિત-2 શેરી નંબર 4/એ ના ખૂણે રહેતા નિરંજનભાઈ રમણીકભાઈ જાની (ઉ.વ.60)ના રાત્રીના નવેક વાગ્યે ઘરે હતા ત્યારે રૂમમાં જઈ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ આવતા જ બીજા રૂમમાંથી પૌત્ર દોડી આવી રૂમમાં જોતા દાદા નિરંજનભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા આથી બાજુમાં રહેતા પડોશી પાસે જઈ દાદાને ગોળી લાગી હોવાનું કહેતા પડોશીઓ સહિતના દોડી ગયા હતા અને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


આપઘાત કરનાર નિરંજનભાઈએ રાજકોટના ડીસીપીના કમાન્ડો તરીકે વર્ષો સુધી ફરજ બજાવી હતી. છેલ્લે કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવી નિવૃત થયા હતા. સંતાનમાં બે પુત્રો છે જેમાં મોટો પુત્ર રવિ પિતાની જેમ પોલીસમાં સીધી ભરતીમાં એસએસઆઈ તરીકે નિમણુંક થઇ હતી બાદમાં સ્વૈચ્છીક નિવૃત્તિ લઇ ફોરેન કંપની સાથે નોકરી જોઈન કરી હતી. નાનો પુત્ર શનિ કારખાનું ધરાવે છે. ગઈકાલે બનાવ બન્યો ત્યારે મોટો પુત્ર રવિ વિદેશ નોકરીના કામે ગયો હતો. મૃતક નિરંજન ભાઈ હસમુખા સ્વભાવના કારણે પોલીસવર્તુળ સહિતના મિત્રોમાં લોક ચાહના ધરાવતા હતા. તેમને કેટલાક સમયથી આંચકીની બીમારી હોવાથી આ બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. બનાવથી પરિવાર અને પોલીસ વર્તુળમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application