આતશબાજી હીટ; 40મા વર્ષે રેકોર્ડબ્રેક મેદની ઉમટી

  • November 11, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત રાત્રે ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે સતત 40મા વર્ષે આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો જે સુપરહિટ રહ્યો હતો. આતશબાજી કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાના હસ્તે કરવામાં આવ્યુ હતું.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજીમાં ખુબ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાયો. જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક ગુજરાત પ્રદેશ ભાજપ ડો.ભરતભાઈ બોઘરાએ ઉપસ્થિત સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યુ હતું કે, આજે ધનતેરસના પાવન દિવસે શહેરીજનો માટે યોજાયેલ આતશબાજીના કાર્યક્રમ બદલ મેયરની ટીમ તથા મ્યુનિ. કમિશનરની ટીમને અભિનંદન પાઠવું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે સૌ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને એટલી શક્તિ આપે કે આપણો દેશ વિશ્વની મહાસત્તા બને. બે દિવસ પછી આપણે દિવાળી ઉત્સવ ઉજવવાના છીએ ત્યારે હવે આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ બીજી દિવાળી ઉજવશું કેમકે ત્યારે અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણા સૌ માટે એ દિવ્ય અવસર બની રહેશે.


આ ભવ્ય આતશબાજીમાં વૈવિધ્યપૂર્ણ ફટાકડા અને તારામંડળની વેરાઈટી જેવી કે કોમ્મેટ, માઈન્સ, એરિયલ શોટ, 240 મલ્ટીકલર શોટ, 120 મલ્ટીકલર શોટ, 100 ક્રેક્લીંગ શોટ, 100 મ્યુઝીકલ શોટ, 100 સાયરન શોટ, 200 ફુટ નાયેગ્રા ફોલ્સ, હેપ્પી દિવાલી બોર્ડ, પીકોક, થ્રી-ઇન-વન ખજૂરી ટ્રી, સુર્યમુખી ટ્રી, પાલ્મ ટ્રી, ગોલ્ડન સ્ટાર ટ્રી, ઇલેક્ટ્રિક ખજૂરી ટ્રી, અશોક ચક્ર, તેમજ મોટા તારામંડળ સહિતનો સમાવેશ કરવામાં આવેલ, જે આશરે એક કલાક સુધી ચાલુ રહી હતી. આ આકર્ષક આકાશી રંગોળીનો નઝારો ઉપસ્થિત તમામ પદાધિકારી, અધિકારીઓ, મહાનગરપાલિકાના સ્ટાફ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકતર્ઓિ, તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત બાળકો તથા ભાઈઓ-બહેનોએ માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો તથા હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોનું સ્વાગત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 40 વર્ષ પૂર્વે ધનતેરસના પર્વ પર આતશબાજી યોજવાની પરંપરા શરુ કરવામાં આવી હતી અને એ વખતે 10 મિનીટ જેવા સમય માટે આતશબાજી કરવામાં આવી હતી. જોકે આતાશબાજીની આ પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી છે અને તેમાં પ્રથમ વખત સતત એક કલાક સુધી અવનવી વેરાયટીની આતશબાજી દ્વારા આકાશીય રંગોળી રચવામાં આવનાર છે. સાથોસાથ ચેરમેનએ ઉપસ્થિત સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.


મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી ઉત્સવમાં હર્ષોલ્લાસ સાથે કદમથી કદમ મિલાવી રહી છે. માઁ અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ઉચું સ્થાન ધરાવે છે. આપણી પાવન ભૂમિને સ્વચ્છ રાખવા આજના પવિત્ર પ્રસંગે સૌ સંકલ્પ કરીએ એવો મારો અનુરોધ છે.


સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ અને કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે આતશબાજીનો ડીઝીટલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આતશબાજીમાં પ્રદર્શિત થયેલી ફટાકડાની અવનવી વેરાયટીની હજારો લોકોએ હર્ષોલ્લાસ અને ચિચિયારી સાથે મજા માણી હતી. ડાયસ કાર્યક્રમ પૂર્વે મંચ પરના તમામ મહાનુભાવોએ ક્રિકેટ મેદાન ફરતે પગપાળા ચક્કર લગાવી સ્ટેડીયમમાં બેઠેલી જન મેદનીને મળીને દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ શહેર પોલીસ રાજુ ભાર્ગવ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ડીડીઓ દેવ ચૌધરી, જોઇન્ટ સી.પી. વી.જી.ચૌધરી, ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી, રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application