જામનગરના રતન, ગુજરાતના ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું દુ:ખદ નિધન

  • September 05, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્યામ વિના વૃજ સુનુ લાગે...લક્ષમણ બાપુ વિના હવે ભજન લાગશે સુના: અંતિમ સંસ્કાર ભરુચના આશ્રમમાં નર્મદા કિનારે આવતીકાલે થશે: વહેલી સવારે અંતિમ શ્ર્વાસ લીધા: ફેફસાની બિમારી જીવલેણ સાબીત થઇ: સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી

ગુજરાતના જાણીતા ભજન સમ્રાટ અને જામનગરના રત્નસમાન લક્ષમણ બારોટનું આજે વહેલી સવારે નિધન થતાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. સદગતના અંતિમ સંસ્કાર આવતીકાલે ભરુચ ખાતે આવેલા આશ્રમમાં નર્મદા કિનારે કરવામાં આવશે.
માત્ર જામનગર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે વિખ્યાત ભજનીક લક્ષમણ બારોટનું નામ ખુબ જ જાણીતું હતું, છેલ્લા એક માસથી તેઓ માંદગી સામે લડી રહ્યા હતાં, ફેફસા નબળા પડી ગયા હોવાના કારણે અવારનવાર ઓકસીજન ઘટી જવાની સમસ્યા સર્જાતી હતી અને સમયાંતરે ડો.તબરેઝ સમાની હોસ્પિટલમાં સારવાર મેળવતાં હતાં, બે-ત્રણ દિવસ પહેલા તબીયત વધુ ખરાબ થઇ હોવાથી એમને એસ.ટી. રોડ પર આવેલી યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, સારવાર ચાલી રહી હતી અને આજે સવારે ૬ વાગ્યે અંતિમ શ્ર્વાસ લઇ લીધા હતાં, આ અંગેના અહેવાલો વહેતા થયા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ભજન ચાહકોમાં આઘાતની લાગણી ફેલાઇ છે.
જામનગરના નિલકમલ સોસાયટી શેરી નં.૪, માતૃછાયા બ્લોક નં.૭૨ ખાતે રહેતા ૬૮ વર્ષની વયના ભજન સમ્રાટ પોતાની પાછળ પત્ની, એક પુત્ર અને ચાર પુત્રીઓને વિલાપ કરતા છોડી ગયા છે, લક્ષમણ બારોટનો ભરુચ નર્મદા કિનારે આશ્રમ પણ આવેલ છે, જયાં આરાધકો અવારનવાર જતાં હોય છે, છેલ્લા ત્રણ દાયકાથી તેઓ જુનાગઢના ભવનાથ તળેટી ખાતે ઉતારો કરે છે, જે લક્ષમણ બારોટના ઉતારા તરીકે જાણીતો છે જેમાં સૌરાષટ્ર અને ગુજરાતભરના લોકો ભોજન-ભજનની સંગત માણે છે, ખાસ કરીને શિવરાત્રીના મેળામાં અહીં ભજન અને ભોજનનો સંગમ જામે છે, તેમના ભજનો ખુબ જ લોકપ્રિય અને લોકભોગી બન્યા છે, ખાસ કરીને તેમના ચાહક વર્ગમાં યુવાનોનો પણ સમાવેશ થાય છે, તેમના જાણીતા ભજનોમાં રમતા જોગી...જપ લે હરી કા નામ....શ્યામ વિના વ્રજ સુનુ લાગે વગેરેનો સમાવેશ થાય છે, માંડવી-કચ્છના  અને સૌરાષ્ટ્રના જાણીતા ભજનીક બ્રહ્મલીન નારાયણ સ્વામીના તેઓ શિષ્ય હતાં, ૧૨ વર્ષની વયે જ તેઓએ ભજન ગાવાની શરુઆત કરી હતી. લાઇવ પ્રોગ્રામમાં લક્ષમણ બારોટની નારાયણ સ્વામી સાથે જુગલબંધી ખુબ જ પ્રખ્યાત હતી, આમા પણ કુદરતી શકિતનો સંચાર હોય તેમ જે અલખ આરાધક જીવ આજે શિવમાં લીન થયો છે.
ભજનોની દુનિયામાં લક્ષમણ બારોટનું નામ ખુબ જાણીતું હતું, તેઓ ગુજરાત સહિત દેશ આખામાં ભજન માટે જાણીતા હતાં, ૧૫ દિવસની બિમારીમાં જ આ ઓલીયો જીવ શિવમાં વિલીન થઇ જતાં ભજનીક પ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application