‘પેડ્ડી’ માટે રામ ચરણે પરસેવો પાડ્યો: ૨૦૦ દિવસના શૂટિંગ શેડ્યૂલમાં થયેલી ઇજાઓને ગણાવી પ્રકૃતિની ભેટ
‘પેડ્ડી’ માટે રામ ચરણે પરસેવો પાડ્યો: ૨૦૦ દિવસના શૂટિંગ શેડ્યૂલમાં થયેલી ઇજાઓને ગણાવી પ્રકૃતિની ભેટ
May 21, 2026 08:10 PM
વિજેતા ફિલ્મ ‘આરઆરઆર’ની અભૂતપૂર્વ સફળતા બાદ વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર સાઉથના ગ્લોબલ સુપરસ્ટાર રામ ચરણની આગામી મોસ્ટ અવેટેડ પાન-ઇન્ડિયા ફિલ્મ ‘પેડ્ડી’ આગામી ૪ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ પૂર્વે રામ ચરણે ખુલાસો કર્યો છે કે આ તેમના કરિયરની સૌથી પહેલી એવી ફિલ્મ છે, જેના માટે તેમણે સૌથી વધુ નિષ્ઠાપૂર્વક અને આદરપૂર્વક કામ કર્યું છે. બુચ્ચી બાબુના શાનદાર નિર્દેશન અને એ.આર. રહેમાનના સંગીતથી સજ્જ આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્હાનવી વિશે વાત કરતા રામ ચરણે જણાવ્યું કે તે ખૂબ જ મહેનતુ અને સંસ્કારી અભિનેત્રી છે અને તેના કામમાં તેના માતા-પિતા (શ્રીદેવી અને બોની કપૂર) નો ઉછેર સાફ દેખાઈ આવે છે. ફિલ્મની પૃષ્ઠભૂમિ અને તેના માટે કરેલી શારીરિક મહેનત વિશે વાત કરતા રામ ચરણે જણાવ્યું હતું કે, ’પેદ્દી’ સંપૂર્ણપણે કુસ્તી (રેસલિંગ) ના બેકડ્રોપ પર આધારિત છે. ભારતભરના અસંખ્ય વંચિત ગામડાઓ અને પોતાના સમુદાયની અસ્મિતા તેમજ ઓળખ માટે લડતા એક સામાન્ય છોકરાની આ સંઘર્ષગાથા છે. રામ ચરણે સ્વીકાર્યું કે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ’સુલતાન’ અને આમિર ખાનની ’દંગલ’ જેવી ફિલ્મોની બ્લોકબસ્ટર સફળતા જોયા પછી જ તેમને ભારતની આ માટીની અસલી રમત પર ફિલ્મ બનાવવાનો મજબૂત આત્મવિશ્વાસ મળ્યો હતો.