ગુજરાતમાં રાજકોટના રસ્તા સૌથી ઘાતક: રિપોર્ટ

  • September 06, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્ટેમ્બર ૨૦૧૯માં ગુજરાત સરકાર ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ બનાવ્યો હતો. અને આ નિયમનું પાલન ન કરનારા ટુ–વ્હીલર સવારો માટે વધુ દંડ લાદતા કેન્દ્રના સુધારેલા મોટર વાહન અધિનિયમને અપનાવનાર ગુજરાત પ્રથમ બન્યું. ત્યારે હવે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે રાજકોટ ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરવામાં મોખરે હતું, તે રાજકોટ અકસ્માતની ઘટનામાં પણ સૌથી આગળ છે. અભ્યાસ મુજબ, ગુજરાત અને ભારતના ઘણા મોટા શહેરોની તુલનામાં રાજકોટમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુદર સૌથી વધારે છે.

સેન્ટર ફોર ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી દ્રારા 'રોડ સેટી સ્ટેટસ ઈન ઈન્ડિયા રિપોર્ટ ૨૦૨૩' મુજબ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, ગ્રેટર મુંબઈ અને કોલકાત્તા જેવા કેટલાક મોટા શહેરોની તુલનામાં રાજકોટ શહેરમાં પ્રતિ લાખ જનસંખ્યા પર મૃત્યુદર સૌથી વધુ છે.
દિલ્હીની તુલનામાં દસમા ભાગની વસ્તી અને અમદાવાદ કરતાં એક ચતુથાશ ઓછી વસ્તી હોવા છતાં, રાજકોટનો મૃત્યુદર પ્રતિ લાખ ૯.૭ છે, જે ગુજરાતના અન્ય શહેરો જેમ કે, વડોદરા (૭.૪), અમદાવાદ (૫.૫) અને સુરત (૫.૫) કરતાં વધુ છે. દિલ્હીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુદર પ્રતિ લાખ વસ્તીએ ૬.૯, હૈદરાબાદમાં ૩.૪, ગ્રેટર મુંબઈમાં ૨.૪ અને કોલકાતામાં ૧.૬ છે. અહેવાલ મુજબ, સૌથી વધુ મૃત્યુદર ધરાવતા પાંચ શહેરોમાં આસનસોલ (૨૨.૯), લુધિયાણા (૨૧.૪), વિજયવાડા (૨૦.૭), અલ્હાબાદ (૧૯.૮) અને જયપુર (૧૯.૧)નો સમાવેશ થાય છે, જેમાં સરેરાશ મૃત્યુદર ૨૧ લાખ પ્રતિ વસ્તીએ છે. નોંધનિય છે કે, ગુજરાત સરકારના ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમનો સમગ્ર રાજયમાં વ્યાપક વિરોધ થયો હતો, જેમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય પાણીના વતન રાજકોટમાં હેલ્મેટ નિયમનો વિરોધ કરવામાં સૌથી વધુ અવાજ ઉઠાવવામાં આવ્યા હતા. જેના ત્રણ મહિના બાદ નાગરિકોના વિરોધને પગલે સરકારે મ્યુનિસિપલ કોર્પેારેશન અને નગરપાલિકા વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટના નિયમને સ્થગિત કરી દીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application