તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરામાં વ્યાજ માફીની સ્કિમ જાહેર કરવામાં આવી છે. રૂ.૩૩૦૦ કરોડનું બાકી લેણું વસુલવા માટે આ નિર્ણય કરાયો છે. અમદાવાદમાં જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ સુધીમાં વેરો ચૂકતે કરનારને રહેણાંકમાં ૮૫ ટકા અને બિન રહેણાંકમાં ૬૫ ટકા સુધી વ્યાજમાફી અપાશે તેમજ ૨૦૦૧ પૂર્વેથી વેરો બાકી હોય તેવા બાકીદારોને ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે. શું રાજકોટ મહાપાલિકાના શાસકો પણ ચૂંટણી વર્ષમાં મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમની ભેટ આપશે ખરા ? તેવો સવાલો રાજકોટની જનતામાંથી ઉઠવા લાગ્યા છે.
રાજકોટ મહાપાલિકામાં હાલ આગામી નાણાકીય વર્ષ-૨૦૨૫-૨૦૨૬ના બજેટની તૈયારી ચાલી રહી છે ત્યારે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મિલકતવેરામાં વ્યાજ માફીની યોજનાની ભેટ આપવા અંગે નિર્ણય કરે તો મહાપાલિકાનું કરોડો રૂપિયાનું બાકી લેણું ગણતરીના મહિનાઓમાં વસુલ થઇ શકે તેમ છે. અગાઉ દર પાંચ વર્ષે વ્યાજમાફીની સ્કિમ અમલમાં મુકતી રાજકોટ મહાપાલિકાએ દસેક વર્ષથી મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ અમલી કરી નથી તે ઉલ્લેખનીય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ વ્યાજ માફીની સ્કીમ જાહેર કરવામાં આવી છે. નવી ફોર્મ્યુલા એટલે કે ૨૦૦૧ પછીથી જે લોકોના ટેક્સ બાકી હશે તેને રહેણાક મકાનો ઉપર ૮૫ ટકા અને બિન રહેણાક મકાનો ઉપર ૬૫ ટકા વ્યાજ માફી મળશે. આ સ્કીમનો લાભ લોકો જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ સુધીમાં લઇ શકશે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ પહેલાના તમામ બાકીદારો માટે યોજના જાહેર કરી છે કે ૨૦૦૧ પહેલાંથી જે લોકોનો ટેક્સ બાકી હશે તેવા બાકીદારોને ૧૦૦ ટકા વ્યાજ માફીનો લાભ મળશે.