BREAKING NEWS

વોટ્સએપ ગ્રુપમાં આવેલી ઓસ્ટ્રેલિયામાં નોકરીની જાહેરાતમાં ભરમાઇ રાજકોટના ડોક્ટરે 50.75 લાખ ગુમાવ્યા

  • December 31, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાયબર ફ્રોડનો સિલસિલો અટકાવાનુ નામ નથી લઇ રહ્યો ત્યારે રાજકોટમાં તબીબ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. વોટસએપ ગ્રુપમાં જાહેરાતમાં ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી, સાયબર ગઠિયાઓએ રૂા.પ૦.૭પ લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


સાયબર ફ્રોડના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.ર૬)એ આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવે છે. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલીયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-ર૦રપ ડ્રીમ કમ ટ્રુ નામનું વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા ડો.જોશુઆના મોબાઈલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોકયુમેન્ટસ મગાવ્યા હતા.


જેની ફી પેટે ર૧૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.૧.ર૦ લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી ર૮૪૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.૧૬.પ૦ લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું જણાવાયું હતું. સાથો-સાથ પ્લાનિંગ બફર અને એપ્લીકેશન એન્ડ ફોરવર્ડિંગ માટે ૧ર૮૭૯ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.૭.પ૦ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.


આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને ૪૧ હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.ર૪ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.


ત્યાર પછી બેન્કની એપમાંથી તેના એકાઉન્ટમાં રહેલી બેલેન્સનો સ્ક્રિન શોટ મોકલાવ્યો હતો. આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં ફ્રોડ થયાનું જણાવાયું હતું. જેથી સીઆઈડી ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગુનો નોંધાયો હતો.


ગુજરાત બહારનાં બેન્ક ખાતાઓમાં તમામ રકમ જમા થઈ

સાયબર ફ્રોડના આ કિસ્સામાં તબીબે ટ્રાન્ફર કરેલી તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. જે અંગે હવે માહિતી મગાવવા તજવીજ શરૂ થયેલ છે. આ ઉપરાંત સાયબર ફ્રોડરોએ જે ડિવાઈસનો ઉપયોગ કર્યો હતો તેના આઈપી એડ્રેસ પણ મંગાવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application