રાજકોટ: અભયમની ટીમ દ્વારા પરિણીતાનું સાસરિયા સાથે કરાવ્યું આ રીતે પુન:મિલન

  • August 02, 2023 11:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અભયમની ટીમ દ્વારા પરિણીતાનું સાસરિયા સાથે પુન: મિલન કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં ‘‘બી’’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી પીડિતાએ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે તેના પતિ અને સાસુએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. પીડિતાને સાસરે જ રહેવું હોવાથી તેને પતિ અને સાસુને સમજાવવા માટે ૧૮૧ અભયમ્ ટીમની મદદ માંગી હતી. જેથી, અભયમ્ ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા અને ડ્રાઇવર વિજયભાઈ ચાવડા તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. 


અભયમ્ ટીમના કાઉન્સિલેરે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાના માતા-પિતા પંજાબમાં રહે છે અને તે સાસરિયામાં પતિ, દિયર, સાસુ અને સસરા સાથે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પીડિતાના લગ્ન સગા મામાના દીકરા સાથે થયા છે. પીડિતાની દોઢેક વર્ષની દીકરી બાબતે પતિ તેને ખીજાઇને અપશબ્દો બોલવા લાગ્યા અને સાસુએ મહિલાને પરિવાર અંગે મેણાટોણાં માર્યા હતા. ત્યાર બાદ પતિ અને સાસુએ તેને ઘરમાંથી બહાર કાઢી મુકયા હતા. 


ઘરમાં ઝગડો કર્યા વિના સૌને હળીમળીને રહેવા સમજાવ્યું 

પીડિતાની સમસ્યા જાણ્યા બાદ અભયમ્ ટીમે સાસરિયાનું કાઉન્સેલિંગ કરીને ઘરમાં ઝગડો કર્યા વિના સૌને હળીમળીને રહેવા સમજાવ્યું હતું. આથી મહિલાના પતિએ તેની માફી માંગી હતી. તેમજ સાસુએ ભૂલ સ્વીકારીને હવે વહુને હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. અને સમગ્ર પરિવારે અભયમ્ ટીમનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application