ગિરનારની ગોદમાં યોજાતા જૂનાગઢના મહા શિવરાત્રીના મેળામાં જતા યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા આપવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝન દ્વારા કુલ ૩૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના નવનિયુક્ત વિભાગીય નિયામક એમ.પી.રાજએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસ પોર્ટ ઉપરાંત રાજકોટ ડિવિઝનના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપો ખાતેથી જરૂરિયાત મુજબ જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. રાજકોટ એસટી બસપોર્ટ ખાતે જૂનાગઢ જતા યાત્રિકોની એક્સ્ટ્રા બસો માટે અલાયદુ પ્લેટફોર્મ તેમજ હેલ્પ ડેસ્કની સુવિધા પણ નિર્માણ કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. જ્યારે જૂનાગઢથી રાજકોટ રિટર્ન થવા માટે જૂનાગઢ ડેપો ખાતેથી પણ રોજિંદી બસ સેવાઓ ઉપરાંત એક્સ્ટ્રા બસની સુવિધા મળી રહેશે.