BREAKING NEWS

આકરી ગરમી અને બફારાથી જનજીવન બેહાલ, ૩૦ મેથી ગુજરાતમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

  • May 26, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સૂર્યનારાયણ કાળઝાળ ગરમી વરસાવી રહ્યા છે, ત્યારે રાજ્યના નાગરિકો માટે હવામાન વિભાગ દ્વારા એક ખુબ જ મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાનનો પારો યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે અને તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. સૌથી મોટા સમાચાર એ છે કે, આગામી ૩૦ મે થી ૧ જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાશે અને ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ સંભાવના છે.


બીજી તરફ, હવામાન વિભાગની આગાહી પૂર્વે જ વહેલી સવારથી ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની સીઝનમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ધોમધખતા ઉનાળામાં અચાનક માવઠા જેવા વાતાવરણના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.


આકરી ગરમી અને બફારાથી જનજીવન બેહાલ

મે મહિનાના અંતમાં પડતી આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકોને હવે દિવસ તો ઠીક, રાત્રિના સમયે પણ ચેન પડી રહ્યું નથી. પવન સાવ ઠપ થઈ જતાં અને ઝાડનું એક પણ પાન ન હલવાના કારણે સોસાયટીઓમાં લોકોને ઘરની બહાર પંખા લગાવીને બેસવાની નોબત આવી છે. સતત પડતી તડકાને લીધે લોકોના ઘરો પણ 'તપેલા' જેવા ગરમ થઈ ગયા છે, જેના કારણે ઘરોમાં એસી (AC) ની અસર પણ અડધી થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉકળાટભર્યા વાતાવરણને લીધે વડીલો અને સિનિયર સિટીઝન્સના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે અને હાર્ટ ફેલિયર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ તબીબો વ્યક્ત કરી રહ્યા છે.


દરિયાકાંઠાના વિસ્તારો માટે 'હોટ એન્ડ હ્યુમિડ'ની ચેતવણી

હવામાન વિભાગે ૨૫ મે થી ૨૮ મે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ની ખાસ ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને દરિયામાં તેની ગતિ ૨૫ થી ૩૫ નોટ્સ (Knots) સુધી પહોંચી શકે છે. આ ભેજવાળા પવનોને કારણે સ્થાનિક લોકોને અસહ્ય અકળામણ (ડિસ્કમ્ફર્ટ) નો સામનો કરવો પડશે. જો કે, આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦°C થી વધુ જ રહેશે અને ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાતોના મતે, હાલમાં મધ્ય પ્રદેશ અને પાકિસ્તાન તરફ સક્રિય થયેલા વેધર ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આગામી ચાર દિવસ સુધી લોકોને આવી જ અસહ્ય અકળામણ સહન કરવી પડશે, પરંતુ ત્યારબાદ તાપમાન ગગડતાં અને મહિનાના અંતમાં વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરશે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application