રાજકોટમાં આજે અષાઢી બીજે મેઘરાજાએ અમી છાંટણા વરસાવી શુકન સાચવ્યા હતા, રથયાત્રા પૂર્ણ થયા બાદ બપોરે એક વાગ્યે હળવું ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદની રાહ જોતા રાજકોટવાસીઓ ઉપર ઝરમર વરસાદ વરસ્યો હતો, ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો.
રાજકોટ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો પરંતુ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ સહિતના જળાશયોના કેચમેન્ટ એરિયામાં ક્યાંય વરસાદ ન હોય જળાશયોની સપાટી યથાવત રહી છે. આજી, ન્યારીમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું ચાલું છે તેમ છતાં આવક જેટલો જ ઉપાડ ચાલું હોય છેલ્લા ૨૪ કલાકમાં સપાટીમાં વધારો નોંધાયો નથી.
આજની સ્થિતિએ કુલ ૨૯ ફૂટની ઊંડાઇના આજી ૧ ડેમની સપાટી ૨૧.૧૦ ફૂટ, કુલ ૨૫.૧૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૧ની સપાટી ૧૪.૪૦ ફૂટ અને કુલ ૩૪ ફૂટની ઊંડાઇના ભાદર-૧ ડેમની સપાટી ૧૪.૩૦ ફૂટે યથાવત રહી છે. દર ચોમાસે સૌથી પહેલા ઓવરફ્લો થતા ૧૫ ફૂટની ઊંડાઇના લાલપરી તળાવની સપાટી ૧૨.૮૦ ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ ૨.૨૦ ફૂટનું છેટું છે.