ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડોદરામાં ‘આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન’ને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ૩૪ મિનિટના સંબોધનમાં રાહુલે આંતરરાષ્ટ્રીય રાજનીતિથી લઈ આદિવાસીઓના હક સુધીના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
‘PM મોદી અમેરિકાના દબાણમાં’: રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો પર કટાક્ષ કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો. રાહુલે જણાવ્યું કે, "મોદીને ટ્રમ્પે એપ્સ્ટિનથી કંટ્રોલ કરી રાખ્યા છે. પીએમ કહે છે કે તમે જેમ હુકમ કરશો તેમ અમે કરીશું. અમે કોઈની પાસેથી તેલ નહીં ખરીદીએ." તેમણે આરોપ લગાવ્યો કે ભારતની વિદેશ નીતિ અને આર્થિક નિર્ણયો હવે અમેરિકાના ઈશારે લેવાઈ રહ્યા છે, જે દેશના હિતમાં નથી.
‘આદિવાસી’ વિરુદ્ધ ‘વનવાસી’નો જંગ
રાહુલ ગાંધીએ આદિવાસી સમુદાયને સંબોધતા ભાજપની વિચારધારા પર નિશાન સાધ્યું, રાહુલે કહ્યું, "૨૦૦૦-૩૦૦૦ વર્ષ પહેલાની તમામ જમીન આદિવાસીઓની જ હતી. તમારો ઈતિહાસ જમીન ગુમાવવાનો રહ્યો છે. તમને ધીમે ધીમે હટાવવામાં આવ્યા છે." તેમણે RSS-BJP પર નિશાન સાધતા કહ્યું કે તેઓ તમને 'વનવાસી' કહીને અપમાનિત કરે છે, જ્યારે કોંગ્રેસ તમને 'આદિવાસી' એટલે કે આ જમીનના મૂળ માલિક માને છે. વનવાસી શબ્દ પાછળ તમને જંગલો પૂરતા મર્યાદિત રાખવાનું ષડયંત્ર છે.
જાતિજનગણના અને બંધારણનું રક્ષણ
રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિજનગણનાની માંગણી દોહરાવતા કહ્યું કે, દેશના સંસાધનો પર કોનો કેટલો હક છે તે જાણવા માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે. તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના વિવિધ સંગઠનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.