BREAKING NEWS

મહિલાઓ જે સપના જુઓ તેમાં પોતાની પાંખ જાતે ન કાપી નાખોઃ આરજે દેવકી

  • March 06, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત જેનો અવાજ સાંભળવા માટે આતુર હોય છે તેવા આરજે દેવકી આજે રાજકોટમાં આજકાલ સાંધ્ય દૈનિકના વુમન્સ પાવર એવોર્ડમાં મુખ્ય વક્તા તરીકે મહેમાન બન્યા છે. તેઓએ આજકાલ સાંધ્ય દૈનિકના કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ મહિલાઓ વિશે એક સરસ વાત કરી જે બધાના હૃદયને સ્પર્શી શકે છે. તેઓએ કહ્યું કે, મહિલાઓ તમે જે પણ સપના જુઓ તેમાં પોતાની પાંખ જાતે ન કાપી નાખો. પોતાની જાતને છૂટ આપો પછી ભલે તેમાં તમે નિષ્ફળ જાવ. 

દેવકીએ આરજે તરીકેની સફર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 2003માં મેં ભારતની પહેલી આરજે હન્ટમાં ભાગ લીધો હતો. જેમાં હુ વિનર બની હતી. આ આરજે તરીકેની સફર 23 વર્ષ ચાલી. હવે મેં પોતાનું પ્રોડક્શન ચાલુ કર્યું છે જેનું નામ માધ્યમ કલેક્ટિવ છે. જેમાં વર્ટીકલ ફિલ્મ, વેબ સિરીઝ સહિતના માધ્યમ સાથે અમે લોકોને મનોરંજન પીરસીએ છીએ. 


આરજે દેવકી એટલે ગુજરાતમાં એક અવાજ જેને સાભળવા માટે લોકો આતુર હોય છે. દેવકીએ પોતાનો અવાજ જાણીતો કેમ થયો તેના વિશે કહ્યું કે, રેડિયોમાં કામ કરો તો એક ડિજિટલ ડાયરી બની જતી હોય છે. હું જ્યારે આરજે હતી ત્યારે રોજ 15 લાખ લોકો મારો અવાજ સાંભળવા માટે આતુર બનતા હતા. ત્યારે સમજાયું કે લોકો પોતાની એક મિનિટ સાંભળવા માટે મારી રાહ જોતા. એટલે 15 લાખ મિનિટ લોકો મારા અવાજ માટે ખર્ચી નાખતા. 


વધુમાં જણાવ્યું હતું કે, મારા અવાજને લોકો સુધી જાળવવા માટે પોતાનો ઓપિનિયન બનાવવો પડે છે. આ માટે ખૂબ જ વાંચનની જરૂર પડે છે. અલગ અલગ પ્રોગ્રામ સાંભળવા પડે. જેનાથી નોલેજ અને વિઝડમ ડેવલોપ થાય છે. 


આરજે દેવકીને ભારતના શ્રેષ્ઠ રેડિયો જોકી માટે આંતરરાષ્ટ્રીય રેડિયો ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. તેમજ તેઓને ગુજરાતના રાજ્યપાલ દ્વારા "વોઇસ ઓફ અમદાવાદ" શીર્ષકથી નવાજવામાં આવ્યા હતા.


અમારી ત્રણ-ત્રણ પેઢી એક્ટિંગમાં જોડાયેલી છેઃ દેવકી 

દેવકીએ આગળ ઉમેર્યું કે, 2007ની અંદર હું મોડેલિંગ કરતી હતી. ફેશન શોમાં રેમ્પ વોક કરતી હતી. મારામાં એક્ટિંગનો શોખ તો નાનપણથી જ છે. કારણ કે મારા પરિવારમાં ત્રણ-ત્રણ પેઢી એક્ટિંગના ક્ષેત્રમાં સંકળાયેલી છે. એક્ટિંગ મને વારસામાં મળેલી છે. આ કામના વર્ષો વધુ લાંબા હતા. જોકે મને ગુજરાત આરજે દેવકી તરીકે જ ઓળખે છે. હું જ્યારે આરજે તરીકે જોડાઈ ત્યારે ગુજરાતમાં પાંચ જ આરજે હતા. જેમાં ઘણા આવ્યા અને જતા રહ્યા પણ હું ટકી રહી અને આરજે દેવકી તરીકેનું મને બિરૂદ મળ્યું. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન આ બધા પોતાના કામમાં ટકી રહ્યા અને સફળ થયા. 


અત્યારે ડિજિટલ પ્લેટફોર્મનો જમાનો

દેવકીએ જણાવ્યું હતું કે, રેડિયો જોકીમાં પહેલા જે પકડ હતી તે હવે રહી નથી. રેડિયો જોકી તરીકે તમારે બીજાના માધ્યમ પર નિર્ભર રહેવું પડે છે. પણ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારી ઓળખ બનાવે છે. અત્યારે ડિજિટલ પ્લેટફોર્મનો જમાનો છે. ભારતમાં ક્રિએટરનો પાંચ હજાર કરોડનો બિઝનેસ છે. જે 2030 સુધીમાં તેમાં 35થી 40 ટકા સુધી વધારો થશે. 2008માં રેડિયોમાં હું પ્રોગ્રામિંગ હેડ બની અને 21 વર્ષ મેં તેમાં કામ કર્યું. મારી પોતાની એપ છે. અમે પહેલી એપ્રિલથી પેન ગુજરાત લોન્ચ કરી રહ્યા છીએ. તેમજ 2027માં અમે અમેરિકામાં અમારી એપ લોન્ચ કરીશું. અમારી એપ મેટા વેરિફાઈડ છે. 


કોઈએ ક્યારેય આપઘાતના કારણો ન જણાવવા જોઈએ

સોશિયલ મીડિયા યુવતીઓ માટે જોખમ કે ફાયદાકારક? આ સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓ સોશિયલ મીડિયામાં ઓછી છે. હું છોકરી છું તો મેલ ફોલોઅર્સ મને વધુ ફોલો કરે છે એવું નથી. અત્યારે સ્ત્રીઓ બંનેમાં સારા અને નરસા પાસા જુએ છે. તમે જે અલ્ગોરિધમ ફોલો કરો છો એ તમને જોવા મળશે. દેવકીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ નાની નાની વાતોમાં મહિલાઓ આત્મઘાતી પગલા ભરી રહી છે તો તેમાં આપઘાતના કારણો કોઈ પણ માધ્યમમાં ન આવવા જોઈએ. કારણ કે આમાં મેન્ટલ હેલ્થના કોમ્પલીકેશન જોડાયેલા હોય છે. જોકે અત્યારની ચેલેન્જીસ અલગ છે. કોમ્પિટિશન વધી ગઈ છે જેના કારણે સ્ટ્રેસ આવે છે. પણ આ પગલું ભરવું એ કોઈ હલ નથી.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application