વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનું મંદિર પ્રભાસ ક્ષેત્રે આવેલ છે. દરરોજ હજારો યાત્રીઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવે છે, ત્યારે જે યાત્રાળુઓ ગુગલ મેપના લોકેશન પ્રમાણે મંદિરે પહોચવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગુગલ મેપમાં પ્રભાસપાટણના મેઇન ઝાંપા (શિવ પોલીસ ચોકી)થી મેઈન બજારમાં થઈને બતાવે છે. જેથી યાત્રાળુઓ આ મેપના લોકેશન પ્રમાણે તેમનું વાહન લઇ ચાલ્યા જતા હોય છે પરંતુ આ વિસ્તારમાં લોકોની અવર જવર વધારે પ્રમાણમાં હોય તેમજ પ્રભાસ પાટણની મેઇન બજાર ખુબજ સાંકડી હોવાથી ફોર વ્હીલર પસાર કરવુ શક્ય નથી અને ખુબ અગવડતાવાળુ હોય જેથી આ લોકેશનના માધ્યમથી આવતા યાત્રાળુને વડલા પોલીસ ચોકીથી પરત ફરવુ પડતું હોય છે. જેના કારણે યાત્રાળુઓ ખુબજ પરેશાન થાય છે અને ટ્રાફીકની સમસ્યા સર્જાતી તેમજ યાત્રાળુઓ સોમનાથ મંદિર વિસ્તારમાં તથા સ્થાનિક તંત્રની એક ખરાબ છાપ લઈને જતા હોય છે. તેમજ આ વિસ્તારમાં લોકોની અવર જવર વધારે પ્રમાણમાં હોય જેથી ટ્રાફીકની સમસ્યા પણ ખુબ મોટા પ્રમાણમાં રહે છે. આ બાબતે સોમનાથ પ્રભાસપાટણના એડવોકેટ કમલેશભાઈ બામણીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આ રસ્તા ઉપર પોલીસ દ્વારા બોર્ડ લગાવી અને સોમનાથનો રસ્તો આગળ છે, જેથી હવે અજાણ્યા યાત્રીકો બજારમાં જવાને બદલે સીધા સોમનાથ પહોંચી જાય છે અને હેરાન થતા નથી અને ટ્રાફીકનો પ્રશ્ન પણ થતો નથી.