મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત હોવાના સમાચારો વહેતા થયા છે. આ અફવાઓને પગલે લોકોમાં ફેલાયેલા ડરને દૂર કરવા શુક્રવારે (૧૩ માર્ચ) પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને 'પેનિક બુકિંગ' ન કરવું જોઈએ.
બુકિંગમાં અચાનક ૨૦ લાખનો ઉછાળો
સંયુક્ત સચિવ સુજાતા શર્માએ માહિતી આપતા જણાવ્યું કે, સામાન્ય રીતે દેશમાં દરરોજ સરેરાશ ૫૦ થી ૫૫ લાખ ગેસ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અછતની અફવાઓને કારણે આ આંકડો વધીને ૭૫-૭૬ લાખ સુધી પહોંચી ગયો છે. લોકો જરૂરિયાત કરતા વહેલા બુકિંગ કરાવી રહ્યા હોવાથી વ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે. તેમણે અપીલ કરી હતી કે ગ્રાહકો જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવે જેથી દરેક ઘર સુધી રાંધણ ગેસ પહોંચી શકે.
સરકારની સજ્જતા અને કડક પગલાં
પરિસ્થિતિને થાળે પાડવા અને લોકોની ફરિયાદોના નિવારણ માટે સરકાર દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે:
કોલ સેન્ટરનું વિસ્તરણ: ઓઇલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરમાં સીટ્સની સંખ્યા વધારીને ૪૦૦ અને ટેલિફોન લાઈનોની સંખ્યા ૫૦ કરી દેવામાં આવી છે.
સંગ્રહખોરો સામે લાલ આંખ: પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે રાજ્યો સાથે બેઠક યોજી છે. જિલ્લા પ્રશાસન, DM અને SPને સૂચના અપાઈ છે કે જે લોકો કાળાબજાર કે સંગ્રહખોરી કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ખાસ કંટ્રોલ રૂમ: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
પોલીસનો સપાટો: ગેરકાયદે સ્ટોરેજ પર દરોડા
દેશભરમાં ગેરકાયદે સ્ટોરેજ અને ચોરીના કિસ્સાઓ સામે પોલીસે તપાસ તેજ કરી છે. ઝાંસીમાં પોલીસે સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક રિકવર કર્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદે સ્ટોરેજ પકડાતા ગોદામ સીલ કરવામાં આવ્યું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગ સતત દરોડા પાડીને ગેરકાયદે જથ્થો જપ્ત કરી રહ્યું છે.
પેટ્રોલિયમ મંત્રાલયે ફરી એકવાર ખાતરી આપી છે કે ફ્યુઅલ સપ્લાય ચેઈન સતત ચાલુ છે. જનતાએ ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્ક રહીને અફવાઓ ફેલાવતા તત્વોથી બચવું જોઈએ.