BREAKING NEWS

અમદાવાદમાં આરોપીએ JCPને છરી મારી, સ્વબચાવમાં શરદ સિંઘલે ગુનેગારના પગમાં ગોળી ધરબી

  • July 02, 2026 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ચંડોલા તળાવ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા એક રીઢા અને વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર જ આરોપીએ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપી અને હુમલામાં ક્રાઈમ બ્રાન્ચના વડા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલને આરોપી દ્વારા છરી વાગી હતી. આથી શરદ સિંઘલે વળતો પ્રહાર કરી સ્વબચાવમાં અને ગુનેગારને કાબૂમાં લેવા માટે સિંઘમ સ્ટાઈલમાં ફાયરિંગ કરીને આરોપીના પગમાં ગોળી મારી તેને ઘટનાસ્થળે જ ભો ભેગો કર્યો હતો.


બાતમીના આધારે દરોડો પાડતાં જ આરોપીએ કર્યો હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચંડોળા તળાવ વિસ્તારમાં એક ખૂંખાર અને વોન્ટેડ આરોપી છુપાયો હોવાની ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો આરોપીને દબોચી લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસની ગાડીઓ અને જવાનોને જોઈને આરોપીએ પહેલાં તો ત્યાંથી ભાગી છૂટવાનો હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે વ્યુહાત્મક ગોઠવણી કરીને તેને ચારેય તરફથી ઘેરી લેતાં આરોપી સંપૂર્ણપણે ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલા હથિયાર વડે પોલીસ ટીમ પર તૂટી પડ્યો હતો.


વચ્ચે પડતા JCP ઘાયલ, પોલીસે વળતું ફાયરિંગ કર્યું

આ હિંસક હુમલા દરમિયાન પોલીસ જવાનોને બચાવવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી (JCP) પોતે વચ્ચે પડ્યા હતા. આરોપીએ કરેલા આડેધડ હુમલામાં જેસીપીને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઉચ્ચ અધિકારી પર હુમલો થતાં અને પરિસ્થિતિ અત્યંત બેકાબૂ બનતી જોઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોતાની સુરક્ષા અને કાયદાનું ભાન કરાવવા તાત્કાલિક સેલ્ફ ડિફેન્સમાં વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રથમ હવામાં ફાયરિંગ કરીને આરોપીને આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી, પરંતુ તે ન માનતા આખરે પોલીસે તેના પર નિશાન સાધ્યું હતું. જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતાં જ તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.


સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, બંને હોસ્પિટલમાં દાખલ

આ ફિલ્મી ઘટનાને પગલે સમગ્ર ચંડોળા તળાવ વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં શહેરના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો વધારાની કુમક સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા ક્રાઈમ બ્રાન્ચના JCPને તાત્કાલિક અસરે ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ લઈ જવાયો છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તેને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે અને આ મામલે ગુનો નોંધી આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application