અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધથી ભારતના પર્યટન, હવાઈ મુસાફરી અને હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસાયોને ૧૮,૦૦૦ કરોડનું નોંધપાત્ર નુકસાન થયું હોવાનો તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ભારતના પર્યટન, હવાઈ મુસાફરી અને હોટેલ-રેસ્ટોરન્ટ વ્યવસાયોને નોંધપાત્ર નુકસાન થયું છે. અહેવાલ મુજબ, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે.
પર્યટન અને હોટેલ ઉદ્યોગનો દેશના જીડીપીમાં ૮ ટકા ફાળો
ભારતમાં પર્યટન અને હોટેલ ઉદ્યોગ દેશના જીડીપીમાં ૮ ટકા ફાળો આપે છે અને ૪ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ૨૦૨૫ સુધીમાં, આ ક્ષેત્રે મજબૂત રિકવરી કરી હતી. બ્રાન્ડેડ હોટલોમાં રૂમની સંખ્યા લગભગ ૨૦૦,૦00 સુધી પહોંચી ગઈ હતી, અને સ્થાનિક ફ્લાઇટ્સ દરરોજ ૫૦૦,૦૦૦ થી વધુ મુસાફરોને લઈ જતી હતી.
રેસ્ટોરન્ટ વ્યવસાયમાં બેવડું સંકટ
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, ખાદ્યપદાર્થોના ભાવમાં ૧૦-૧૫ ટકાનો વધારો થયો છે. નાના અને મધ્યમ કદના રેસ્ટોરન્ટ્સ ખાસ કરીને આયાતી સામગ્રી, પરિવહન અને વીજળીના ખર્ચથી પ્રભાવિત છે. પ્રવાસન સ્થળોએ ઉચ્ચ કક્ષાના રેસ્ટોરન્ટ્સમાં વિદેશી ગ્રાહકોમાં ઘટાડો જોવા મળ્યો છે.
હવાઈ મુસાફરી સૌથી વધુ અસરગ્રસ્ત
રિપોર્ટ જણાવે છે કે એરલાઇન્સ સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે. ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, કેટલાક એરફિલ્ડ બંધ કરવામાં આવ્યા હતા, અને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આના પરિણામે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ૨ થી ૪ કલાક વધુ વિલંબ થયો. વધતા ઈંધણના વપરાશને કારણે ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં ૩૫ થી ૪૦ ટકા ઇંધણનો હિસ્સો છે. મધ્ય પૂર્વના વ્યસ્ત હવાઈ માર્ગોના વિક્ષેપને કારણે ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે.
વિદેશી પ્રવાસીઓ આવતા ડરે છે
વિદેશી પ્રવાસીઓ આવતા અટકી ગયા છે, ખાસ કરીને રજાઓ ગાળનારાઓ. આ અહેવાલ મુજબ, વૈશ્વિક પ્રવાસીઓ ભૂ-રાજકીય તણાવથી સાવચેત બન્યા છે. ભારતીય પ્રવાસીઓ પણ દૂરના સ્થળો કરતાં નજીકના દેશો જેવા થાઇલેન્ડ, સિંગાપોર અને વિયેતનામને વધુ પસંદ કરી રહ્યા છે. દરમિયાન, હોટેલ વ્યવસાય હાલમાં સ્થાનિક પ્રવાસીઓ દ્વારા ટકાવી રાખવામાં આવે છે. રૂમ ઓક્યુપન્સી દર સારો રહે છે.