જામનગરમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં સ્પેસ વૈજ્ઞાનિક પૃથ્વી સંઘાણીની ઉપસ્થિતિ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મિત્રમંડળે કર્યું સન્માન
ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનમાં યોગદાન બદલ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા, રક્તદાન માટે યુવાનોને પ્રેરણા આપી
જામનગર શહેરના રણજિતનગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનના 'વિક્રમ' રોકેટના કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા તેમના મિત્રમંડળે પૃથ્વી સંઘાણીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ સ્વાગત ના કાર્યક્રમમાં ધારાસભ્ય ની સાથે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ને તેઓની કારોબારીની સમગ્ર ટીમ, ઉપરાંત જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક જૂથના નેતા અમર મોદી, તેમજ દંડક પ્રવિણાબેન રૂપડીયા વગેરે પણ જોડાયા હતા, અને પૃથ્વી સંઘાણીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
ભારતના સ્પેસ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવી તેમના કાર્યને જામનગર તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત ગણાવ્યું હતું.
પ્રસંગ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને યુવાનોએ પણ પૃથ્વી સંઘાણી સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્પેસ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ યુવા પેઢી માટે પ્રેરણારૂપ હોવાનું જણાવાયું હતું. બ્લડ ડોનેશન જેવા સેવાકીય કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિએ રક્તદાતાઓ અને યુવાનોમાં વિશેષ ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.