જામનગરના રણજીતસાગર રોડ પર સરકારી ખરાબા, નદી કાંઠા વિસ્તારની જમીન પચાવી પાડી પ્લોટો વેચી નાખવાનું પ્રકરણ સામે આવતા આ મામલે ૬ શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, દરમ્યાન ગઇકાલે સીટી ડીવાયએસપી, મામલતદાર સહિતના દ્વારા સ્થળ પર જઇ નીરીક્ષણ કર્યુ હતું અને પંચનામુ કરવામાં આવ્યુ હતું.
શહેરના રણજીતસાગર રોડ પર સરકારી ખરાબા અને નદી કાંઠા વિસ્તારની આશરે ૨.૮૦ કરોડની કિંમતની જમીનના ખોટા નકશા દસ્તાવેજ બનાવી તેમા ૬૬ જેટલા પ્લોટ પાડી જરૂરીયાતમંદને વેચી નાખવાનું કારસ્તાન સામે આવતા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર જીતેન્દ્રભાઇ પીપરીયા જાતે ફરીયાદી બન્યા હતા અને સીટી-એ ડીવીઝનમાં જામનગરના દિ.પ્લોટ ઉધોગનગર વિસ્તારમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, મસીતીયા વાડી વિસ્તારમાં રહેતા આમદ ઉમર ખફી, જોડીયાભુંગા દરગાહ પાછળ રહેતા નુરમામદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા, સાધના કોલોની બ્લોક એલ-૧૦/૨૩૫૬માં રહેતા રાજેશ કાંતીલાલ મારૂ, રણજીતસાગર રોડ, કૃષ્ણનગર શેરી નં. ૫માં રહેતા યજ્ઞેશ રતીલાલ રાણપરીયા અને મારૂ કંસારા હોલ પાછળ રહેતા જગદીશ ગણેશ ચોવટીયા નામના ૬ ઇસમો વિરુઘ્ધ આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૨૦, ૩૪ અને ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ક)(ગ) મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
અરજદાર ગોવિંદભાઇ શિયાળ દ્વારા ગત વર્ષમાં અરજી કરવામાં આવી હતી જે અનુસંધાને લેન્ડ ગ્રેબીંગ કમિટીની સમક્ષ વાત પહોચી હતી અને બેઠકમાં આ બાબતે તપાસના અનુસંધાને આકરૂ વલણ અપનાવીને લગત વિભાગને ફરીયાદ નોંધવા આદેશ કર્યો હતો આરોપીઓ દ્વારા કરોડોની કિંમતની જમીનમાં પ્લોટ પાડીને ગરીબ અને મઘ્યમ વર્ગને છળકપટથી ખોટા દસ્તાવેજના આધારે ૬૬ પ્લોટ વેચી નાખવામાં આવ્યા હતા.
જમીન પચાવી પાડી છેતરપીંડીથી વેચાણ કરી નાખવાના આ ચકચારી બનાવની તપાસ શહેર ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ગઇકાલે ફરીયાદ અનુસંધાને સીટી ડીવાયએસપી, મામલતદાર, સીટી-એ ડીવીઝન સ્ટાફ સ્થળ પર ગયા હતા જયાં પ્રાથમિક વિગતો જાણીને સ્થળનું નિરીક્ષણ તથા પંચનામું કરવામાં આવ્યુ હતું. દરમ્યાન ફરીયાદ અનુસંધાને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે