જંકશનમાં દબાણ હટાવાતાં ધબધબાટી

  • August 02, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં આવેલી જંકશન પ્લોટ અને ગાયકવાડી મેઇન રોડની બજારમાં ગઈકાલે દબાણ હટાવવાની કાર્યવાહી કરવા જતા વેપારીઓમાં રોષ ભભુક્યો હતો અને ધબધબાટી બોલી ગઈ હોવાનું જાણવા મળે છે. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના અચાનક જ છાપરા ઓટલા સહિતના દબાણો દૂર કરવાનું શરૂ કરાતા આ મામલે માથાકૂટ થઈ હોવાની ચચર્િ છે. જોકે અત્યંત આશ્ચર્યજનક બાબત તો એ પણ છે કે સામાન્ય રેકડી- કેબીનના દબાણો હટાવ્યાની પ્રેસનોટ જારી કરતી મહાનગરપાલિકાએ ગઇકાલે જંકશન પ્લોટ અને ગાયકવાડીમાં દબાણ હટાવની શું કાર્યવાહી કરી તેની કોઇ વિગતો આજે બપોર સુધી જાહેર કરી નથી. દરમિયાન વેપારી વર્તુળોમાંથી આ મામલે વિરોધ વંટોળ ઉઠતા આ અંગેની વિગતો બહાર આવી હતી.
વિશેષમાં દુકાનદાર વેપારી વર્તુળોએ રોષભેર વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા તંત્રના સ્ટાફ દ્વારા ગઇકાલે તમામ વિભાગના અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે બુલડોઝર તેમજ પીજીવીસીએલની ટીમ સાથે વોર્ડ નં.3માં જંકશન પ્લોટ- ગાયકવાડી મેઇન રોડ પર ગેરકાયદેસર બાંધકામ હટાવવા આવેલ તો તેઓ દ્વારા કેમ અને કયા ઓર્ડરથી માત્ર ને માત્ર વેપારી વર્ગને હેરાન કરવામાં આવ્યા ? જો ગેરકાયદેસર બાંધકામના ઓટલા કે છાપરા હોય તો તેની કોઇ નોટિસ લેખિત કે મૌખિક આપ્યા વગર ડીમોલિશન કર્યું છે તેવો આક્ષેપ કરી વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મોટા દબાણવાળાઓને નોટિસ આપવામાં આવે છે તો નાના વેપારી જે દસ્તાવેજ વાળી મિલકત ધરાવે છે તેમ છતાં ધંધા રોજગારના સમયમાં આવા પ્રકારના ડીમોલિશન કરવાનું શું કારણ ? તે સહિતના સવાલોનો કોઈ જ પ્રત્યુતર કામગીરી કરવા આવેલા સ્ટાફ દ્વારા અપાયો ન હતો.
વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક ઝબલા તેમજ પાનની દુકાનોમાં પ્લાસ્ટિકના પાન પીસ જપ્ત કરવાને નામે દંડ વસૂલતા અધિકારીઓએ આ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર મુખ્ય કારખાનેદાર કે હોલસેલર્સ તેમજ સપ્લાયર્સ ઉપર કેમ રોક લગાડતા નથી ? માત્ર નાના વેપારીઓ પાસેથી જ દંડ વસૂલ કરવામાં કેમ આવે છે ? તમામ પ્રકારની વેફર સહિતના નમકીન અને જંક ફૂડની આઈટમ જે પ્લાસ્ટિકમાં પેકિંગ આવે છે તે કાયદેસર છે? જો ના તો તેમની ઉપર કોઈ પગલા કેમ નથી લેવાતા? મ્યુનિ.અધિકારીઓને વેપારીઓની દુકાનોમાં કોના ઓર્ડરથી પ્રવેશ કરવાની મંજૂરી મળે છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application