BREAKING NEWS

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, અફઘાનિસ્તાન સાથે તત્કાલ યુદ્ધવિરામ, કતારમાં લેવાયો નિર્ણય

  • October 19, 2025 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કતારના વિદેશ મંત્રાલયે આજે વહેલી સવારે જાહેરાત કરી હતી કે કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તુર્કીની મધ્યસ્થી હેઠળની વાટાઘાટોનો ઉદ્દેશ્ય એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સરહદ સંઘર્ષનો અંત લાવવાનો છે જેમાં ડઝનેક લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.


રોઇટર્સના અહેવાલ મુજબ, કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે. જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. આ વાટાઘાટો તાજેતરના સરહદી યુદ્ધ પછી થઈ હતી. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને પડોશી દેશો વચ્ચેનો સૌથી ગંભીર મુકાબલો છે.


અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબ કરી રહ્યા હતા, જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો.


પાકિસ્તાનનો આરોપ

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ધ્યેય અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં સરહદ પાર આતંકવાદને રોકવા અને પાક-અફઘાન સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો હતો. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે ઇસ્લામાબાદે કાબુલને પાકિસ્તાનમાં સરહદ પારથી હુમલા કરનારા આતંકવાદીઓને રોકવાની માંગ કરી.


તાલિબાનનો વળતો હુમલો

તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કરે છે અને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો અને અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથોને ટેકો આપવાનો આરોપ મૂકે છે. જો કે, પાકિસ્તાન આ આરોપોને નકારી કાઢે છે અને કહે છે કે આતંકવાદીઓ લાંબા સમયથી સરકારને ઉથલાવી દેવા અને દેશમાં કડક ઇસ્લામિક શાસન લાદવાનું કાવતરું ઘડી રહ્યા છે.


અસીમ મુનીરે શું કહ્યું?

શુક્રવારે સરહદ નજીક થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં હુમલા કરવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરતા જૂથોને નિયંત્રિત કરવા જોઈએ.


પાકિસ્તાનનો દંભ

અફઘાનિસ્તાને અહેવાલ આપ્યો કે શુક્રવારે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવવામાં આવ્યાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા. કાબુલે કહ્યું કે તેના સૈનિકોને વાતચીત ચાલુ રાખવા માટે બદલો ન લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પક્તિકા પ્રાંતમાં થયેલા હુમલામાં ત્રણ અફઘાન ખેલાડીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં રમાનારી T20 ક્રિકેટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.


પાકિસ્તાનનો દાવો

જોકે, પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારએ કહ્યું કે આ હુમલાઓમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે નાગરિક જાનહાનિના દાવાઓને નકારી કાઢ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application