અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેબનોનમાં ઈરાન સમર્થિત જૂથો દ્વારા મચાવવામાં આવેલી અરાજકતાને લઈને ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત આક્રમક પોસ્ટ કરી છે.
ટ્રમ્પની સ્પષ્ટ ચેતવણી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને નિર્દેશ આપતા કહ્યું કે, "ઈરાને લેબનોનમાં તેમના દ્વારા સંચાલિત અને મોટા પાયે નાણાકીય સહાય મેળવતા પ્રોક્સી જૂથોને તાત્કાલિક અરાજકતા ફેલાવતા રોકવા જોઈએ." ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન આ આદેશનું પાલન નહીં કરે, તો અમેરિકા તરફથી તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
"પહેલા કરતા પણ વધુ આક્રમક વળતો પ્રહાર"
પોતાની આ પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકાની સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું, "જો ઈરાન લેબનોનમાં ગડબડ કરવાનું બંધ નહીં કરે, તો અમે ઈરાન પર ફરીથી ખૂબ જ જોરદાર હુમલો કરીશું. આ હુમલો બરાબર તેવો જ હશે જેવો અમે ગયા અઠવાડિયે કર્યો હતો, પરંતુ આ વખતે તે પહેલા કરતા પણ વધુ વિનાશક અને જોરદાર હશે."
ટ્રમ્પનું આ નિવેદન મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ ચેતવણી બાદ હવે ઈરાન તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.