પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ફરી એકવાર ભારતીય જળસીમા નજીકથી માછીમારી કરતી બોટ અને તેના ક્રૂ મેમ્બર્સનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતના ઓખાની એક ફિશિંગ બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક બની હોવાનું કહેવાય છે. પાકિસ્તાનની આ ઘૂસણખોરી અને અપહરણની પ્રવૃત્તિના કારણે માછીમાર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, અપહરણ કરાયેલી ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. આ બોટમાં કુલ 8 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમનું બોટ સાથે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટીની આ કાર્યવાહી પર ભારતીય સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે. ભારતીય માછીમારો વારંવાર માછીમારી દરમિયાન ભૂલથી કે અજાણતા આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પહોંચી જાય છે, જેનો લાભ લઈને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા તેમને પકડી લેવામાં આવે છે. આ ઘટના બાદ ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
માછીમારોની આજીવિકા પર ગંભીર અસર
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટોનું અપહરણ થવું એ હવે નિયમિત ઘટના બની ગઈ છે, જે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર કરે છે. આ ઘટનાઓથી માછીમારોના પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભારત સરકારે આ મામલે કડક રાજદ્વારી પગલાં લેવાની અને ઝડપથી અપહૃત માછીમારોની મુક્તિ માટે પ્રયાસો કરવાની જરૂર છે. માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમાં નજીકથી દૂર રહેવા માટે જાગૃત કરવા અને તેમને જીપીએસ નેવિગેશન સિસ્ટમ પ્રદાન કરવા જેવા પગલાં લેવા પણ અનિવાર્ય છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.