રાજકોટ શહેરમાં વિદેશ પ્રવાસના નામે મોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાનામાવા સર્કલ પાસે આવેલી 'ફેસ્ટિવ હોલિડેઝ' નામની ટ્રાવેલ એજન્સીના સંચાલક અભિનવ હિતેષભાઈ પટેલ અને તેની પત્ની ધારા અભિનવ પટેલે વિદેશ ટૂરના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. નાનામાવા રોડ પર રહેતા અને કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર મુળાભાઈ વાઢેર સહિત કુલ ૯ જેટલા નાગરિકો આ ઠગ દંપતીની જાળમાં ફસાયા છે. દંપતીએ આ તમામ લોકો પાસેથી રૂ. ૫૦.૦૭ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી છે.
તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, આ શતિર દંપતીએ ગ્રાહકોને આકર્ષવા માટે વિયેતનામ, જાપાન, હોંગકોંગ, બાલી તેમજ સિંગાપોર-મલેશિયા જેવા દેશોના અત્યંત સસ્તા ટૂર પેકેજ આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, દુબઈથી ખૂબ જ સસ્તા ભાવે અસલી 'આઈફોન' અપાવવાની આકર્ષક લાલચ પણ આપી હતી. લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને વિદેશ પ્રવાસ અને આઈફોન માટે લાખો રૂપિયા ચૂકવી દીધા હતા.
ઓફિસ બંધ કરી દંપતી ફરાર, માલવિયાનગર પોલીસમાં ગુનો દાખલ
પૈસા પડાવી લીધા બાદ જ્યારે ગ્રાહકોએ પોતાના બુકિંગ, ફ્લાઈટ ટિકિટ અને વિઝા અંગે પૂછપરછ શરૂ કરી, ત્યારે દંપતી દ્વારા વિવિધ બહાનાબાજી બતાવવામાં આવી હતી. લાંબો સમય વિતી ગયા છતાં કોઈ વ્યવસ્થા ન થતાં ગ્રાહકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ, જ્યારે ભોગ બનનારા લોકો એજન્સીની ઓફિસે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે દંપતી રાતોરાત પોતાની ઓફિસ બંધ કરીને ક્યાંક ભાગી છૂટ્યું છે.
આ ઘટના બાદ ભોગ બનેલા પ્રોફેસર ભરતકુમાર વાઢેર અને અન્ય પીડિતોએ એકઠા થઈને રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. માલવિયાનગર પોલીસે આ અંગે અભિનવ પટેલ અને તેની પત્ની ધારા પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર દંપતીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટુકડીઓ બનાવી તેમની શોધખોળ શરૂ કરી છે.