BREAKING NEWS

ગામડાઓના લોકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્લોટ સમતળ સહાયમાં કરાયો ધરખમ વધારો

  • July 26, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય લીધો છે. હવે જ્યાં મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના માટે ઘર’ના વિજનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ / સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. 1,000 પરથી વધારીને રૂ. 5,000 કરી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. 50,000 થી સીધી રૂ. 2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પ્લૉટ સમતળ સહાયમાં પાંચ ગણો અને જમીન સમતળ સહાયમાં ચાર ગણો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી દિશા આપી છે.


મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના સીધા નેતૃત્વમાં કાર્યરત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તા.૧૭/૦૭/૨૦૨૬ના રોજ ઠરાવ કરીને ગ્રામીણ ઘરવિહોણા લોકોને પોતાનું ઘર બાંધવની સહાયમાં આ વધારો કરી તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે. આ ઠરાવ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખાસ કરીને એવા ગામો માટે આશીર્વાદરૂપ બનશે કે જ્યાં રહેણાંક માટે ફાળવવામાં આવતી મફત પ્લોટ માટેની જમીન અસમતળ અથવા ખાડા-ટેકરાવાળી હોવાથી ઘર વિહોણા પરિવારોને મકાન બાંધવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે સરકારના વધારેલ સહાયના કારણે પરિવારોને જમીન વિકાસનો ખર્ચ ઘટશે અને લાભાર્થીઓ ઝડપથી પોતાનું પાકું ઘર બનાવી શકશે.


રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લૉટ ફાળવવાની યોજના અમલમાં મૂકી રહી છે. નવા સુધારા દ્વારા આ યોજનાને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીઓને માત્ર પ્લૉટ જ નહીં પરંતુ મકાન બાંધવા માટે યોગ્ય અને સમતળ જમીન પણ ઉપલબ્ધ થઈ શકે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ગ્રામ્ય વિકાસ અને અંત્યોદય કેન્દ્રિત અભિગમને અનુરૂપ લેવાયેલો આ નિર્ણય માત્ર સહાયમાં વધારો નથી, પરંતુ ગ્રામ્ય જનતાના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણયથી ગામોના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે, રહેણાંક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરનું સપનું વધુ ઝડપથી સાકાર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application