BREAKING NEWS

108 અશ્વોની હણહણાટી વચ્ચે PM મોદીની યોજાશે સ્વામિમાન યાત્રા, સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

  • January 06, 2026 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મહાદેવના દર્શન કરવા આવશે. ત્યારે 108 ઘોડાની હણહણાટી વચ્ચે તેમની સ્વાભિમાન યાત્રા યોજાશે. સોમનાથના ઇતિહાસમાં આવું પહેલીવાર બનવા જઈ રહ્યું છે. જેને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચર્ચા છે કે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.


મળતી માહિતી મુજબ, ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય 'સ્વાભિમાન યાત્રા' યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે 2 કિલોમીટર લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.


નરેન્દ્ર મોદી રાત્રિરોકાણ સોમનાથમાં કરશે

10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.


1026ની ઘટનાનાં 1000 વર્ષ

પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.


10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું છે. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application