વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું હતું કે તેઓ ક્યારેય તેમના સ્વભાવથી સંપૂર્ણપણે સંતુષ્ટ હોતા નથી. તેમનું માનવું છે કે જ્યારે તમે જાહેર જીવનમાં હોવ છો ત્યારે તમારી અંદર સકારાત્મક બેચેની જરૂરી છે. આ જ તમને સતતને સતત વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે અને પ્રેરિત રાખે છે.
એક મુલાકાતમાં મોદીએ કહ્યું કે તેમને હંમેશા દેશ અને તેના લોકો માટે કંઈક સારું કરવાની ઇચ્છા રહે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રિફોર્મ એક્સપ્રેસ હેઠળ થઈ રહેલા ફેરફારોથી સંતુષ્ટ છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ તેનાથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી અને ક્યારેય સંતુષ્ટ થઈ શકશે નહીં. તેમના સ્વભાવને કારણે જ તેઓ સતત પ્રગતિ અને સુધારણા વિશે વિચારે છે.
જોકે, રિફોર્મ એક્સપ્રેસ અંગે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી થયેલી પ્રગતિ અને વિકાસ કાર્યોને અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે સુધારા એ તેમની સરકારની પ્રતિબદ્ધતા છે અને તેનો સંપૂર્ણ સમર્પણ સાથે અમલ કરવામાં આવ્યો છે. સરકાર આ દિશામાં કામ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે નાના ફેરફારોથી આગળ વધીને સિસ્ટમમાં મોટા અને મૂળભૂત ફેરફારો લાગુ કર્યા છે. તેમને ગર્વ છે કે દેશ હવે સુધારાઓ દ્વારા ધીમે ધીમે નવી દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની વૈશ્વિક ભાગીદારી ઝડપથી વધી છે. તાજેતરના વેપાર કરારો અચાનક થયા નથી, પરંતુ મજબૂત સ્થાનિક અર્થતંત્ર, સ્પર્ધાત્મક ઉદ્યોગો અને આત્મવિશ્વાસપૂર્ણ વલણનું પરિણામ છે. તેમણે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન પણ વેપાર કરાર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબી ચર્ચાઓ છતાં, નક્કર પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
વર્તમાન સરકાર સત્તામાં આવ્યા પછી નીતિગત સુધારાઓ રાજકીય સ્થિરતા અને સ્પષ્ટ નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો. આનાથી અર્થતંત્ર મજબૂત થયું અને વૈશ્વિક વિશ્વાસ વધ્યો. રોકાણ વધ્યું અને ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે યુરોપિયન યુનિયન સાથે ચર્ચાઓ અગાઉ થઈ હતી, પરંતુ હવે અંતિમ, પરસ્પર લાભદાયી કરાર થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે 38 દેશો સાથે મુક્ત વેપાર કરારો (એફટીએએસ) પર હસ્તાક્ષર કર્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. આ કરારો વિવિધ ખંડોના દેશો અને વિવિધ આર્થિક શક્તિઓ સાથે છે, જેનાથી ભારતીય કંપનીઓને અનેક મુખ્ય બજારોમાં પ્રવેશ મળે છે.