સ્વામિનારાયણના સ્વામીના બફાટથી વિરપુરમાં આક્રોશ, જ્ઞાનપ્રકાશને 24 કલાકનું અલ્ટિમેટમ, આજે અને આવતીકાલે વિરપુર સજ્જડ બંધનું એલાન

  • March 04, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાને પગલે આજે વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માગે તેવી રોષ સાથે માગ કરવામાં આવી છે.


બે દિવસ વિરપુર સજ્જડ બંધ પાળશે
વિરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે વીરપુર (જલારામ) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માગે, જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.


ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર વિસામો લીધો હોવાની એક પીડીએફ વાઇરલ
સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક પીડીએફ શેર કરવામાં આવી છે. જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. પીડીએફમાં અખબારનાં કટિંગ પણ શેર કરવામાં આવ્યાં છે. પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત શ્રી જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા પીડીએફમાં શેર કરવામાં નથી આવ્યા.


સ્વામીને સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ
વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે. બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.


જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે શું ટિપ્પણી કરી
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે." નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઇ છે.


જલારામ ભક્તોમાં વિરોધનો સૂર ઊઠ્યો
જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.


વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી વીડિયો ડિલીટ કર્યો
વિવાદ વધતા, સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,"સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત્-સત્ વંદન. સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, "અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું."તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application