જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું. ગઈકાલે વિસાવદર બાદ કરતા તમામ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા હતા.એકથી ૨૨.૫ ઇંચ વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં માંગરોળમાં સૌથી વધુ ૨૨.૫, માળીયાહાટીનામાં સાડા ચૌદ, મેંદરડા અને કેશોદમાં ૧૩ ઇંચ, વંથલીમાં ચાર, માણાવદરમાં અઢી, જુનાગઢ અને ભેસાણમાં એક અને ગિરનાર પર્વત પર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. કલેકટર યોગેશ ચૌધરી એ કેશોદ અને માંગરોળના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં ભારે વરસાદના કારણે કેશોદમાં એનડીઆરએફ અને જૂનાગઢમાં એસડીઆરએફની ટીમ તૈનાત છે આ ઉપરાંત ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર અને મહેસુલી વિભાગની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે કેશોદ પાણખાણ સિલોદર, માંગરોળના કામનાથ ચીટલી વીડી, કેશોદ માંગરોળ, પીપળી એપ્રોચ, પીપળી ઇસરા ટીટોડી, કરેણી અજાબ, હુસેના બાદ સેપા સેરીયાખાણ, રૂદલપુર ગોરજ નગીચાણા, પાજોદ લીંબોડા ઇન્દ્રાણા, મંડોદરા મટીયાણા રોડ, મંગલપુર જોનપુર, દીવરાણા ફાટક થી જરીયાવાડા, અમરાપુર આંબલગઢ તરસિંગડા, અગતરાય આખા માણાવદર, પાણખાણ કેવદ્રા, વંથલી માણાવદર બાટવા સરાડીયા એમ કેશોદ તાલુકાના સાત, માંગરોળ તાલુકાના પાંચ માણાવદર તાલુકાના ત્રણ સહિત ૧૬ રસ્તા બંધ કરાયા છે.