મીઠાપુરના ઓનલાઇન ફ્રોડ પ્રકરણમાં વધુ એક આરોપી દિલ્હીથી પકડાયો

  • June 26, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા સાયબર સેલ પોલીસની કાર્યવાહી : નવ ચોપડી ભણેલા આરોપીએ અગાઉ પણ ગુના આચાર્યા હોવાનું ખુલ્યું: દિલ્હીનો ઠગ સાત દિવસના રિમાન્ડ પર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે ઓટીપી મેળવી અને રૂપિયા ૧.૨૯ લાખની છેતરપિંડી કરનારા વડોદરાના બે શખ્સોને જિલ્લા સાયબર સેલ વિભાગે દબોચી લીધા બાદ વધુ કાર્યવાહીમાં દિલ્હીના વધુ એક ગુનેગાર શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જેને સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે.
વર્તમાન ટેકનોલોજીના સમયમાં લાલબત્તી રૂપ આ કિસ્સામાં દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે રહેતા એક યુવાને ગૂગલ સર્ચ ઉપરથી બેંકના કથિત કસ્ટમર કેર નંબરમાં ફોન કરી અને ક્રેડિટ કાર્ડનો પ્રોટેકશન પ્લાન બંધ કરાવવા માટેની કાર્યવાહી દરમિયાન તેમને એક ઠગ ઈસમનો ભેટો થઈ ગયો હતો અને વોટ્સએપ કોલ મારફતે ઓટીપી મેળવી અને ચીટર શખ્સોએ જુદા જુદા બે ટ્રાન્જેક્શન મારફતે આ યુવાનના એકાઉન્ટમાંથી રૂપિયા ૧.૨૯ લાખ ઉપાડી લીધાનો બનાવ સાયબર સેલ પોલીસ સમક્ષ નોંધાયો હતો.
આ પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી, વડોદરાના રાહુલ રમેશભાઈ પરમાર (ઉ.વ. ૩૧) અને મહંમદ યુસુફ અસફાક સૈયદ (ઉ.વ. ૪૬) નામના બે શખ્સોને દબોચી લઈ, વધુ ઊંડાણપૂર્વકની તપાસ આદરી હતી. આ પ્રકરણમાં દિલ્હીના સત્યમ નામના એક શખ્સની સંડોવણી હોવાનું પણ ખુલવા પામ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા સ્ટાફ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી અને આ ચીટીંગનું નેટવર્ક આખું દિલ્હી ખાતેથી ચાલતું હોવાથી બાબત પ્રકાશમાં આવતા તેઓએ દિલ્હી ખાતે દોડી જઈ અને આ પ્રકરણ સંદર્ભે દિલ્હી મુકામે મેન્યુઅલ સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના અને હાલ દિલ્હીમાં ઉત્તમનગર - જનકપુરી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સત્યમ બાબુ રામુ સવિતા (ઉ.વ. ૨૬) નામના શખ્સને દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપી સત્યમ બાબુની પૂછપરછમાં નવમા ધોરણ સુધી અભ્યાસ કરેલો સત્યમ બાબુ વર્ષ ૨૦૧૭ માં હૈદરાબાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા ફ્રોડકોલ તેમજ હરિયાણા ફરીદાબાદ સેન્ટ્રલ સાયબર સેલમાં ચીટીંગના ગુનામાં પણ આરોપી હોવાનું ખુલવા પામ્યું હતું.
અગાઉ ૪૦ દિવસ જેલવાસ ભોગવી ચુકેલો સત્યમ વડોદરાના રાહુલ પરમારને અગાઉ જેલમાં મળી ગયો હતો. ત્યાં તેઓ વચ્ચે મિત્રતા થઈ હતી અને જેલમાંથી છૂટ્યા બાદ સાયબર ક્રાઇમ કરવા માટેનું નક્કી કર્યું હતું. સત્યમ દિલ્હીમાં રહી અને લોકો પાસેથી ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી અને તે ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપીના આધારે રાહુલ પરમાર મની ટ્રાન્સફરના રિટેલર પાસેથી રૂપિયા ઉપાડી લેશે તેમ નક્કી થયું હતું. આ માટે તેઓએ વડોદરાના મહંમદ યુસુફનો સંપર્ક કરી અને આ શખ્સના એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટ ઉપયોગ કરવા માટે લીધા હતા.
આરોપી શખ્સોએ આજ સુધી કુલ રૂપિયા સાડા દસ લાખ જેટલું ટ્રાન્જેક્શન કરી, પૈસા ઉપાડી લીધા હતા અને દ્વારકા જિલ્લાના મીઠાપુરના આસામીના રૂપિયા ૧.૨૯ લાખની પણ છેતરપિંડી તેઓએ કરી હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. આ રીતે અન્ય લોકો પણ ટોળકીનો ભોગ બની ચૂક્યા છે.
માત્ર નવ ચોપડી ભણેલા અને સાયબર ક્રાઇમના રીઢા બની ગયેલા આરોપી દ્વારા સુનિયોજિત કાવતરાઓનો તાગ મેળવવા માટે જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા સ્ટાફ દ્વારા આરોપીને ગઈકાલે રવિવારે ઓખાની કોર્ટમાં રજૂ કરી અને આ પ્રકરણમાં અન્ય આરોપીઓને અંગેની માહિતી મેળવવા, ક્રેડિટ કાર્ડનો અંગેનો ડેટા અને મોબાઈલ નંબર બાબતેની માહિતી મેળવવા, ડમી કસ્ટમર કેરમાં ફોન કોણ રીસિવ કરતું હતું તે અંગેની માહિતી મેળવવા, આ ચીટીંગમાં વધુ મોબાઈલ સીમકાર્ડ અંગેની માહિતી મેળવવા, સહિતના જુદા જુદા મુદ્દે અદાલત સમક્ષ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પ્રકરણમાં સંભવિત રીતે અન્ય આરોપીઓની સંડોવણી તેમજ વધુ કેટલીક બાબતો પર પ્રકાશ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલના પી.આઈ. બ્લોચ સાથે સીપીઆઈ ટી.સી. પટેલ, હેડ કોન્સ્ટેબલ ધરણાતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણજારીયા અને કાજલબેન કરમુર દ્વારા કરવામાં આવી હતી.
**
સાયબર ફ્રોડ સામે સાવચેત રહેવા પોલીસ વડાની અપીલ
હાલ ટેકનોલોજીના યુગમાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ સામે સાવચેતી કેળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકોને સાવચેત રહેવા તેમજ બેંકની માહિતી માટે કોઈપણ ફોન કોલ આવે તો તેનો જવાબ નહીં આપવા અને જરૂર જણાય તો બેંકમાં રૂબરૂ જઈને માહિતી મેળવવા તથા આપવા અપીલ કરી છે. આટલું જ નહીં, ગૂગલ સર્ચ ઉપરથી મેળવેલા કોઈપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ નહીં કરવા તેમજ ઓટીપી, સીવીવી, ગુપ્ત પીન, વિગેરે શેર નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગેની જરૂર જણાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application