જામનગર સહીત રાજયભરની કલેકટર અને મહેસૂલ વિભાગની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ રમતગમતની મોજ માણશે. કારણ કે, આ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સતત જવાબદારી, તણાવ વચ્ચે ફરજ બજાવી રહ્યા હોય તેઓની કાર્યક્ષમતા વધારવા અને સર્જનાત્મકતા, માનસીક અને શારીરીક તાજગી જાળવવા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ અંગેનો પરિપત્ર તમામ કલેકટર સહીત સંબધિત અધિકારીઓને પાઠવામાં આવ્યો છે.
રાજયના મહેસૂલ વિભાગ દ્વારા તા.૨૨ ડીસેમ્બરના જામનગર સહીત રાજયના તમામ કલેકટર અને અન્ય અધિકારીઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર મહેસૂલ વિભાગ હસ્તકની તમામ ખાતા વડાની કચેરીઓ તથા જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ જાહેર સેવા ક્ષેત્રમાં સતત જવાબદારી અને તણાવ વચ્ચે અવિરત કાર્યરત હોય તેઓની સર્જનાત્મકતા, માનસિક અને શારીરિક તાજગી, ટીમ સ્પીરીટ જાળવવી અત્યંત આવશ્યક છે.
આથી અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક, બૌધ્ધિક અને કલાત્મક અને સામાજિક તમામ પાસાના સંતુલીત વિકાસ માટે આંતર જિલ્લા રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઇવેન્ટસ સપ્તોત્સવનું આયોજન કરાયું છે. ખાતાના વડાની કચેરી તેજમ કલેકટર કચેરી હસ્તકના રાજય વહીવટી સંવર્ગો, કચેરીના અન્ય વહીવટી સંવર્ગોની મંજૂર થયેલી જગ્યા પર સીધી ભરતી, બઢતી કે પ્રતિનિયુકિતીથી નિયમિત ધોરણે ફરજ બજાવતા તથા કચેરીઓમાં, બોર્ડ, કોર્પોરેશન કે અન્ય કોઇ સરકારી સંસ્થાઓમાં ડેપ્યુટેશન કે લોન સેવા પર ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓ, કર્મચારીઓ જ આ રમત સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઇ શકશે.
સાંધિક રમતોમાં વર્ગ-૧ અને ૨ ના ઓછામાં ઓછા એક અધિકારીએ ખેલાડી તરીકે ફરજીયાત ભાગ લેવાનો રહેશે. વ્યકિતગત રમત માટે ઇચ્છુક અધિકારી અને કર્મચારીઓએ સંબંધિત કલેકટર કચેરીએ નોંધણી કરાવવાની રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ કલેકટર તેમની અનૂકૂળતા મુજબ વર્ષ દરમ્યાન દર અઠવાડીયા કે પખવાડીયાના એક દિવસ જયારે ઝોન માટેના સીલેકશનની આખરી ઇવેન્ટસ દર વર્ષે ડીસેમ્બર અને જાન્યુઆરી મહીના દરમ્યાન યોજવાની રહેશે. જિલ્લા કક્ષાએ આખરી રમતોના પૂર્ણાહુતિના દિવસે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક તાલુકાએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
સાંધીક રમતો તાલુકા, પ્રાંત, જિલ્લા, ઝોન અને અન્ય ખાતાના વડાની કચેર તથા રાજયકક્ષાએ યોજવાની રહેશે. સાંધીક રમતો પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાશે. દરેક તાલુકાની ટીમ પ્રાંત કક્ષાએ રમશે. પ્રાંત અધિકારી દરેક તાલુકામાંથી આવેલા ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરી પ્રાંતની ટીમ બનાવશે. દરેક પ્રાંતની ટીમ અને કલેકટરની કચેરીની ટીમ વચ્ચે જિલ્લાકક્ષાએ રમત યોજાશે. ઝોન કક્ષાએ યોજાનાર રમતમાં વેસ્ટ ઝોન-૨ જામનગર, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ કરાયો છે.
ક્રીકેટ, કબડ્ડી, વોલીબોલ સહીતની રમત અને સાંસ્કૃતિક સ્પર્ધાનો સમાવેશ
સપ્તોસ્વમાં ક્રીકેટ, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, એથ્લેટીકસ, બેડમીન્ટન,કેરમ, ચેસ, તરણ, ટેબલ ટેનીસ, ટેનીસ, યોગ, વક્રતૃત્વ, લેખન, ફોટોગ્રાફી, ચિત્રકામ, હેન્ડીક્રાફટસ, નાટય, મોનોલોગ, ગીત-સંગીત, નૃત્ય સહીતની સુર સંગમ સ્પર્ધા, સામાજીક જાગૃતિનો કાર્યક્રમ યોજાશે.દિવ્યાંગ કર્મચારીઓ માટે સ્ટેન્ડીંગ અને સીટીંગ ગ્રુપમાં ગોળા ફેંક, ચક્ર ફેંક અને બરછી ફેંક સ્પર્ધા યોજાશે. પુરૂષ અને મહીલા વિભાગમાં સીંગલ્સ અને ડબલ્સ તથા મીકલ ડબલ્સ વિભાગમાં સ્પર્ધા યોજાશે.
કોઇ પણ અધિકારી-કર્મી મહતમ ત્રણ સાંધિક અને વ્યકિતગત સ્પર્ધામાં ભાગ લઇ શકશે
સપ્તોસ્વ કાર્યક્રમમાં વ્યકિતગત રમત માટે એન્ટ્રી ભરનાર અધિકારી, કર્મચારીઓ સંબંધીત કલેકટર કચેરી ખાતેથી પ્રવેશપત્ર મેળવી લેવાના રહેશે. કોઇપણ અધિકારી અને કર્મચારી મહતમ ત્રણ સાંધિક અને મહતમ ત્રણ વ્યકિતગત સ્પર્ધા કે કલ્ચરલ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. લઘુતમ પાંચ ખેલાડી અને સ્પર્ધકો હાજર હશે તો જ વ્યકિતગત સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને સ્પર્ધાના દિવસોએ ખાસ કિસ્સામાં ફરજ પર હાજર ગણવાના રહેશે. દરેક સ્પર્ધા દરમ્યાન નિયત ગણેવશની વ્યવસ્થા ખેલાડીએ પોતાની રીતે જ કરવાની રહેશે.