પછાત વર્ગો પ્રત્યે કરવામાં આવતા ભેદભાવ સંદર્ભે અત્યાર સુધી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો આવી ફરિયાદ કરી શકતા હતા. પરંતુ હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસીને પણ આ પ્રકારના ભેદભાવમાં ફરિયાદ કરવા માટે સામેલ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્કટ કમિશન ( યુજીસી ) દ્વારા આ સંદર્ભે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને તેની અમલવારી તારીખ 15 જાન્યુઆરી 2026 થી શરૂ પણ કરી દેવામાં આવી છે.
જાતિવાદી ભેદભાવ રોકવા માટે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહિત કરવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમની જોગવાઈ મુજબ ઓબીસીના વિદ્યાર્થી, શિક્ષક અને કર્મચારી જો તેમના પ્રત્યે જાતિગત ભેદભાવ થતો હોય તો કમિટી સમક્ષ ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા અને સુવિધા માત્ર અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો માટે હતી. પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા નિયમ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દરેક સંસ્થાઓને કમિટી રચવા માટે પણ સૂચના આપી છે. આ કમિટીમાં ઓબીસી, મહિલા, એસસી- એસટી અને દિવ્યાંગને સ્થાન આપવામાં આવશે. કમિટીએ દર છ મહિને તેમનો રિપોર્ટ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને મોકલવાનો રહેશે.
જાતિગત ભેદભાવના મામલે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબના લોકોને જે છૂટ મળી છે તેનો ઉપયોગ આવા વર્ગના લોકો સમાજમાં દરેક જગ્યાએ કરી શકે છે. પરંતુ ઓબીસી ને અત્યારે માત્ર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જ આ પ્રકારની છૂટછાટ મળી છે. જોકે યુ.જી.સી.ના આ નિર્ણયનો અમલ શરુ થયો છે. ભવિષ્યમાં તેની શું અસર પડે છે તે જોવાનું રહેશે.