જ્યારે પણ કાચા તેલ (Crude Oil) ના ભાવ વધે છે, ત્યારે સામાન્ય માણસની નજર પેટ્રોલ અને ડીઝલ પર હોય છે. હાલમાં બ્રન્ટ ક્રૂડ 100 ડોલરની આસપાસ છે, જે સ્થિતિ કદાચ બહુ ડરામણી ન લાગે. પરંતુ ખરો ભય રિફાઇનરીના સૌથી નીચલા સ્તરે ઉત્પન્ન થતા પદાર્થમાં છે, જેને 'ફ્યુઅલ ઓઈલ' કહેવામાં આવે છે. આ તેલ કાચા તેલને ગરમ કર્યા પછી છેલ્લે વધતો 'કચરો' અથવા અવશેષ છે, જેના વગર દુનિયાના વિશાળ માલવાહક જહાજો ચાલી શકતા નથી.
કેમ મહત્વનું છે આ 'ફ્યુઅલ ઓઈલ'?
કહેવાય છે કે આ તેલ રિફાઇનરીના 'બેરલનું તળિયું' છે, પરંતુ વૈશ્વિકરણની આખી ધરી તેના પર ટકેલી છે. દુનિયાભરના વિશાળ કન્ટેનર જહાજો આ સસ્તા અને ઘટ્ટ ઈંધણ પર ચાલે છે. વિશ્વની અગ્રણી શિપિંગ કંપની 'એપી મોલર-માર્સ્ક' (AP Moller-Maersk) એ ચેતવણી આપી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો એશિયાના મુખ્ય બંદરો પર ઈંધણનો ભંડાર સુકાઈ જશે. સિંગાપોર અને યુએઈના ફુજૈરા જેવા મુખ્ય હબમાં અત્યારે આ ઈંધણની ભારે અછત વર્તાઈ રહી છે.
100 ડોલરનું ક્રૂડ અને 175 ડોલરનું ફ્યુઅલ ઓઈલ
સામાન્ય રીતે કાચા તેલ અને રિફાઈન્ડ ઉત્પાદનોના ભાવ સાથે ચાલતા હોય છે, પરંતુ અત્યારે આ ગણિત તૂટી ગયું છે: સિંગાપોરમાં ફ્યુઅલ ઓઈલનો ભાવ 140 ડોલર અને ફુજૈરામાં 160 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. જે ઈંધણ પર્યાવરણના માપદંડો મુજબ શુદ્ધ છે, તેના ભાવ તો 175 ડોલર પ્રતિ બેરલની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વેપારીઓ પાસે હવે ભાવતાલ કરવાનો પણ સમય નથી; કાં તો તરત સોદો કરો અથવા ઈંધણ ગુમાવો તેવી સ્થિતિ છે.
હોર્મુઝની ખાડી બંધ થતા સર્જાયું સંકટ
આ સમસ્યાના મૂળમાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માર્ગ બંધ થવો તે છે. વિશ્વના કુલ ફ્યુઅલ ઓઈલ વેપારનો 20 ટકા હિસ્સો સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈની રિફાઇનરીઓમાંથી આવે છે. સાઉદીનું 'અરબ લાઈટ' ક્રૂડ રિફાઈન કરવામાં આવે ત્યારે તેમાંથી 50 ટકા ફ્યુઅલ ઓઈલ નીકળે છે, જ્યારે અમેરિકી ક્રૂડમાંથી માત્ર 33 ટકા જ નીકળે છે. હવે એશિયાઈ દેશોએ અમેરિકી તેલ પર નિર્ભર રહેવું પડતું હોવાથી આ ઈંધણનું ઉત્પાદન ઘટી ગયું છે.
મોંઘવારીની નવી સુનામી
જો માલવાહક જહાજો દરિયામાં જ થંભી જશે, તો તેની અસર તમારી જરૂરિયાતની દરેક વસ્તુ પર પડશે. ઈંધણ મોંઘું થતા માલસામાનના ભાડા વધશે. વિદેશથી આવતી ખાવા-પીવાની ચીજો, ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી મોંઘી થશે. દુનિયાના દેશો અત્યારે અમેરિકા અને યુરોપથી જહાજો દ્વારા એશિયામાં આ ઈંધણ પહોંચાડવા મથામણ કરી રહ્યા છે, પરંતુ હોર્મુઝનો રસ્તો લાંબો સમય બંધ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રના પૈડાં થંભી જશે.