BREAKING NEWS

મહાપાલિકાના અધિકારીઓએ પ્રજાની સેવાના નામે મેળવ્યા મેવાઃ સ્વ માટે લખલૂંટ ખર્ચ્યા

  • April 21, 2026 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ પ્રજાની જાણ અને જાગૃતિ માટે શહેરની જનતાને ગત સત્રના મહાનગર પાલિકાના નગર સેવકો અને પદાધિકારીઓની જનતાની સેવા અને શહેરના વિકાસ માટે ભોગવેલ સુવિધાઓ અને તેની પાછળ જનતાના નાણામાંથી કરેલ ખર્ચની વિગત પ્રજા સમક્ષ મુક્તા જણાવેલ છે કે, પાંચ વર્ષમાં શહેરના ૭૨ નગર સેવકોએ પ્રજાની સેવા અને પ્રશ્નો હલ કરવા દરેક નગર સેવકે દર મહિને રૂા. ૧૨,૦૦૦ માનદ વેતન + મીટીંગ દીઠ રૂા.૫૦૦ ભથ્થુ + રૂા.૧,૦૦૦
ટેલીફોન ભથ્થુ + રૂા.૧,૫૦૦ સ્ટેશનરી ખર્ચ, માસિક ખર્ચ રૂા.૧૫,૦૦૦ આ હિસાબે દર મહિને ૭૨ નગર સેવકોએ રૂા.૧૦, ૮૦,૦૦૦ મેળવેલ છે. પાંચ વર્ષના અંતે આ તમામ નગર સેવકો પાછળ
રૂપિયા છ કરોડ અડતાલીસ લાખ પૂરા જેવી માતબર રકમ પ્રજાએ નગર સેવકોને હસ્તા માઢે ચુકવેલ છે. મેયરએ પાંચ વર્ષમાં મુસાફરી માટે રૂા.૧,૪૯,૦૦૦ તથા તેમના મુલાકાતીઓ માટે સ્વાગત સરભરા માટે રૂા. ૧૮,૫૨,૦૦૦ વાપરેલ છે. તો સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનઓએ પણ મહેમાનોને ખૂબ જ વ્હાલથી આવકારી સ્વાગત સરભરા માટે રૂા.૧૫,૩૭,૦૦૦નો ખર્ચ કરેલ છે. મહાનગર પાલિકાના પાંચ મહત્વના પદાધિકારીઓએ ગત સત્રમાં પ્રજાની ઝડપી સેવા અને વિકાસો માટે અતિ આધુનિક, મોંઘી ગાડી આપવાની એક પ્રથા ઉભી કરેલ છે. જેમાં મેયર, ડે.મેયર, ચેરમેન સત્તા પક્ષના દંડક અને શાસક પક્ષની ગાડીઓનો ખર્ચ પાંચ વર્ષમાં રૂા.૫૦,૧૪,૨૨૧ આવ્યો છે. ભુતકાળમાં રાજકોટ શહેરની જનતાએ ગુજરાત જનસંઘના સ્થાપક પૈકી એક કદાવર નેતા અને નગરપાલિકાના પ્રમુખ સ્વ. હરિસીંહ ગોહીલને કચેરીએ કાર્યકરોની સાયકલ ઉપર આવતા જતા જોયેલ છે તો કોંગ્રેસના અતિ સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના પૂર્વ પ્રમુખ સ્વ. ચંપકભાઈ વોરા કાયમી સ્વખર્ચે ઓટો રીક્ષાનો જ ઉપયોગ કરતા અને ઓટો રીક્ષા અકસ્માતમાં જ મૃત્યુ પામેલ. ગુજરાતમાં અનેક એવી નગરપાલિકા છે જે જાહેર જનતાની સ્ટ્રીટ લાઇટના બીલ ભરી શક્તી નથી જેથી વીજ કંપની તેના કનેકશન કાપી નાંખે છે, તેમ છતા નગરપાલિકાના પ્રમુખ એ.સી. ચેમ્બર અને નવી કાર બીનદાસ વાપરે છે. તમામ રાજકીય પક્ષના નેતાઓ સ્વની સુવિધા-સગવડતા અને આર્થિક બાબતોમાં વધારો કરવાના મુદ્દાઓમાં ખરડાઓમાં ગજબની એક્તા અને ઝડપ બતાવે છે. પ્રજા આ બધુ જાણે છે પણ બોલતી નથી એ આપણા દેશની કમનસીબી છે. વર્તમાન સમયમાં નગર સેવકો અને પદાધિકારીઓને પ્રમાણસહ વ્યાજબી સુવિધા, સગવડતા મળે તો પ્રજાને ખાસ વાંધો કે વિરોધ પણ ન હોઈ શકે, પણ દલાતરવાડી જેવી નિતીઓ અપનાવી પ્રજાને મુર્ખ ન બનાવાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News