પ્રોફેશનલ ટેક્સ નહીં ભરો તો કામ અટકાવશે મનપા

  • April 30, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં અનેક વેપારીઓ, ઉદ્યોગકારો, વ્યાવસાયિકો પ્રોફેશનલ ટેક્સ ભરવા પાત્ર થતા હોવા છતાં રજિસ્ટ્રેશન કરાવતા નહીં હોવાનું તેમજ જો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય વર્ષોથી બાકી વેરો ભરતા નહીં હોવાની વિગતો સામે આવતા તાજેતરમાં નવા નાણાંકીય વર્ષ 2024-2025ના પ્રારંભે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રા.મ.ન.પા./વે.વ./વે.ઝો./જા.59થી એવો પરિપત્રિત હુકમ કર્યો છે કે હવેથી મહાપાલિકામાં બિલ્ડીંગ પ્લાન, શોપ અને ફૂડ સહિત કોઇ પણ લાયસન્સ, પરવાના, મંજૂરીઓ, કોમર્શિયલ નળ જોડાણ સહિતના વિવિધ કામે આવતી અરજીમાં અરજદારનું પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન છે કે નહીં અને રજિસ્ટ્રેશન હોય તો ટેક્સ ચૂકતે છે કે નહીં ? તે ચકાસવું હવેથી ફરજિયાત છે.


ટેન્ડર પ્રસિધ્ધ થયાથી લઇને બિલ પેમેન્ટ સુધીના દરેક તબક્કે તેમજ ખરીદીથી લઇ વેંચાણ સુધીના વ્યવહારોમાં પ્રોફેશનલ ટેક્સની ચકાસણી કરવાની રહેશે. એકંદરે હુકમમાં એવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું નથી પરંતુ સ્પષ્ટ અર્થઘટન એવું થાય છે કે જો પ્રોફેશનલ ટેક્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય કે ટેક્સ ચૂકવવાનો બાકી હશે તો તેવા અરજદારોના કામ મહાપાલિકામાં અટકશે અને તેવા કામો પ્રોફેશનલ ટેક્સનું રજિસ્ટ્રેશન અને બાકી વેરો ચૂકતે કયર્િ બાદ જ આગળ ધપશે.


વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ કરેલા વિસ્તૃત હુકમમાં શાખા વાઇઝ જવાબદારી ફિક્સ કરતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારના હુકમ અન્વયે, વ્યવસાય વેરા ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને સોપવામા આવેલ છે, રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત (અન્ય કર સેલ) શાખા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં વ્યવસાયિકો પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, 1976ની જોગવાઇઓ હેઠળ વ્યવસાયવેરો વસૂલવામાં આવે છે.


રાજકોટ શહેર ખાતે ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, 1976 મુજબ રાજકોટ શહેરમાં વ્યવસાય કરતા એકમો, વ્યક્તિઓ, પેઢીઓ, સંસ્થાઓ વિગેરેને વ્યવસાય વેરા માટે નોંધણી કરવાની રહે, જે અંતર્ગત રાજકોટ શહેર ખાતે વ્યવસાય કરતાં, સ્વતંત્ર વ્યવસાયિકો જેવા કે આર્કીટેક્ટ, ક્ધસલ્ટીંગ એન્જીનીયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તબીબો, નોટરી, સ્ટેમ્પ વેન્ડર, વકીલો, સોલીસીટર, વિમા એજન્ટો વિગેરેએ પણ ઉક્ત અધિનિયમની જોગવાઇઓ હેઠળ વ્યવસાય વેરો ભરવાનો થાય છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગોની કામગીરીનો વ્યાપ વધવા પામેલ છે. વિવિધ વિભાગો દ્વારા આઉટ સોર્સિંગ એજન્સી મારફત કામગીરી કરાવવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા જરૂરિયાત મુજબ વખતો વખતો જરૂર પ્રમાણે રેઈટ કોન્ટ્રાક્ટથી વસ્તુ-સેવાઓ પૂરી પાડવા એજન્સીઓ પણ નીમેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની શાખાઓ દ્વારા અરજી મુજબ પરવાનો, મંજુરી, લાઇસન્સ પણ આપવામાં આવે છે. આ સમગ્ર કામગીરી વ્યવસાય અનુલક્ષીને હોય, ત્યારે વ્યવસાય વેરાની જોગવાઈ મુજબ જે તે અરજદાર, એકમ, આસામી, વ્યવસાયિક વિગેરે વ્યવસાય વેરા નોંધણી પાત્ર બને. ઉક્ત વિગતો ધ્યાને લઇ, હવે પછીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નીચે મુજબ કામગીરી સબબ વ્યવસાય વેરા નોંધણી અને વેરો ચૂકવ્યાની રસીદ અરજી સાથે મેળવવાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરએ કરેલા હુકમના અંતમાં જણાવ્યું છે કે ઉક્ત વિગતો ધ્યાને લઇ હવે પછીથી, રાજકોટ મહાનગર પાલિકાની તમામ શાખાઓએ ઉપરોક્ત જણાવેલ કામગીરી કરતી વખતે વ્યવસાય વેરા અંગેની જોગવાઇ ધ્યાને રાખવાની રહેશે. ટેન્ડર બહાર પાડવાથી લઇ એજન્સી દ્વારા કામગીરી સબબ બિલ રજુ થયેના સંપૂર્ણ સમય ગાળા દરમિયાન એજન્સી દ્વારા વ્યવસાય વેરો ચૂકતે કરેલ છે કે કેમ? તે ચકાસ્યા બાદ જ આગળની કામગીરી કરવી. જે એજન્સી વ્યવસાય વેરામાં નોંધાયેલ ન હોય, તેઓની સત્વરે ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, 1976ની જોગવાઈઓ અંતર્ગત નોંધણી કરાવવાની રહેશે.


કઇ બ્રાન્ચમાં ક્યા કામે જશો ત્યારે પ્રોફેશનલ ટેક્સનું ચેકિંગ થશે?
- ટીપી બ્રાન્ચ: બિલ્ડીંગ પ્લાનની અરજી રજુ થાય ત્યારે, ઇમ્પેક્ટ સ્કીમ હેઠળ વ્યાવસાયિક બિલ્ડીંગ પ્લાનની અરજી રજુ થાય ત્યારે, નવા સ્ટ્રકચર એન્જીનીયર કે આર્કિટેકટ વિગેરેની નોંધણી વખતે
- ફૂડ બ્રાન્ચ: નવા ફુડ લાયસન્સ, રીન્યુની અરજી વખતે
- હેલ્થ બ્રાન્ચ: બોમ્બે નર્સિંગ એક્ટ હેઠળ હોસ્પિટલની નોંધણી માટે આવતી અરજી સમયે, મેડિકલ સ્ટોર ખાતે ખરીદી માટે ચૂકવણું કરતાં સમયે, આરોગ્ય કેન્દ્રો તેમજ લગત કામગીરી માટે માલ સામાન/સેવાઓનુ ચૂકવણું કરતાં સમયે
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ: ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ નવા રીન્યુની અરજી રજુ કરતી વખતે, ડોર ટુ ડોર, ડોર ટુ ડમ્પ અને સાઇટ ટુ ડમ્પ યોજના હેઠળ કચરાના નિકાલ માટે ચૂકવણું કરતાં સમયે
- શોપ બ્રાન્ચ: શોપ લાયસન્સ અરજી નવા રીન્યુ રજુ કરતી વખત વોટર વર્કસ બ્રાન્ચ: જે મિલકતનો વપરાશ શરૂ કરેલ હોય તેવી કોમર્શીયલ હેતુની મિલકતોમાં નળ જોડાણ/કેન્સલ માટેની અરજી કરતી વખતે
- પ્રોપર્ટી ટેક્સ બ્રાન્ચ: જે મિલકતનો વપરાશ શરુ કરેલ હોય, તેવી બિન રહેણાંક- મિલકતોની આકારણી તેમજ નામ ટ્રાન્સફરની અરજી વખતે
- ઓડિટ બ્રાન્ચ: તમામ આઉટ સોર્સિંગ તેમજ રેઇટ કોન્ટ્રાક્ટ માટે બહાર પડાયેલ ટેન્ડરની ટેકનીકલ વેલીડીટી ચકાસતા સમયે, નોંધાયેલ વેન્ડર જયારે વ્યવસાયી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય (રેઇટ કોન્ટ્રાક્ટ, મેનપાવર, આઉટ સોર્સિંગ અને સેવાકીય બાબતો વિગેરે) તેવા ઇસમોનાં બીલ ચુકવણી માટે રજુ થયે. લાગુ પડતા ઇસી (પેઢીનો) અને આરસી(કર્મચારીઓનો) વેરો ભરાયાની રસીદ સામેલ રાખવી
- એકાઉન્ટ બ્રાન્ચ: નોંધાયેલ વેન્ડર જયારે વ્યવસાયી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય, તેવા ઇસમોને નાણા ચુકવતી વખતે લાગુ પડતા ઇસી (પેઢીનૌ) અને આરસી (કર્મચારીઓનો) વેરો ભરાયાની રસીદ સામેલ રાખવી
- ટ્રાફિક, બીઆરટીએસ, આરએમટીએસ, ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ: બસ ઓપરેટર-કોન્ટ્રાકટરને બિલ ચૂકવવા સમયે, પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ/ડિપોઝિટ પરત કરતાં સમયે
- લીગલ, આઇટી, લેબર બ્રાન્ચ: એડવોકેટ પેનલની નિમણૂક અને ચૂકવણું કરતાં સમયે, સમાન-સેવાઓ માટે ચૂકવણું કરતાં સમયે.
- ટેક્નિકલ બ્રાન્ચ: માલ સામાન ખરીદી, ઝોનલ કોન્ટ્રાકટર, સેવાઓ અંગેના નાણાં ચૂકવતી વખતે મેન પાવર સપ્લાયનું ચૂકવણું કરતી વખતે
- ઓલ બ્રાન્ચ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઉટ સોર્સિંગ તેમજ રેઈટ કોન્ટ્રાક્ટ થી સેવા-વસ્તુ મેળવવાના ટેન્ડરમાં ટેકનીકલ એલીજીબીલીટી નિયત કરતી વખતે, પ્રવર્તમાન નિમાયેલ એજન્સીઓ, જે મહાનગરપાલિકા સાથે કામગીરી માટે સંકળાયેલી છે, તેઓ આ નિયમો સાથે જોડાઈ તે જોવાની જવાબદારી જે તે શાખાધિકારીની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News