તાજેતરમાં સોની બજારમાં જ્યાં આગ ભભૂકી હતી તે દિયા ગોલ્ડ પોલિશિંગનું ગેરકાયદેસર બિલ્ડિંગ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું.
વિશેષમાં ટીપી બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર હેતલ એમ.સોરઠિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગઇકાલે શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માં સોની બજાર મેઇન રોડને લાગુ દેરાસરવાળી શેરીમાં સંજયભાઈ લુવા નામની વ્યક્તિની માલિકીની દિયા ગોલ્ડ પોલીસિંગ પેઢી વાળી કોમર્શિયલ હેતુના અનઅધિકૃત બાંધકામવાળી મિલકત સીલ કરવામા આવી હતી. ઉપરોક્ત કાર્યવાહી સેન્ટ્રલ ઝોનના ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સ્ટાફની હાજરીમાં સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી તેમજ આ મિલકતનો કોઇપણ માલ સામાન જપ્ત કરેલ નથી તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.
લિ.ટાઉન પ્લાનિંગ શાખા એટલે કોણ ?
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા કરાતી કામગીરીની પ્રેસ રિલીઝના અંતે ટાઉન પ્લાનિંગ ઓફિસર કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વિગેરેનું નામ કે હોદ્દો લખવાને બદલે લિ.ટાઉન પ્લાનિંગ શાખા તેવું લખવાનું શરૂ કરાયું છે, હવે આ ટાઉન પ્લાનિંગ શાખા એટલે કોણ સમજવાનું ? તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. જો કોઈ કિસ્સામાં માહિતીમાં હકીકત દોષ નીકળે તો જવાબદાર કોણ ?
ડિમોલિશનની પેટર્ન બદલવા કોઇની સુચના કે ? રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ વર્ષોથી મોટા ભાગે સવારે જ ડિમોલિશન કાર્યવાહી કરતી હતી પરંતુ છેલ્લા બે મહિનાથી નવો ચીલો પાડ્યો છે સાંજે અથવા રાત્રે ડિમોલિશન કરીને બીજા દિવસે વિગતો જાહેર કરવામાં આવે છે. આવું કરવા કોઇએ સૂચના આપી હશે કે સ્ટાફે મનસ્વી રીતે આવી નવી પરંપરા શરૂ કરી છે ? તે બાબત શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની છે.