BREAKING NEWS

હાજરી મુદ્દે સેનીટેશન વિભાગના ૪૫ કર્મીને શો-કોઝ નોટિસ ફટકારતા મ્યુનિ.કમિશનર

  • February 06, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર થાય તે માટે ફેસ મશીન રાખવામાં આવ્યા છે. પરંતુ ફિલ્ડવર્કમાં જતા એસઓ, એસઆઇ અને એસએસઆઇ તેમજ એઆઇ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાની હેડઓફિસ ખાતે અથવા વોર્ડ ઓફિસ ખાતે હાજરી પુરાવી ફરજિયાત છે. છેલ્લા ઘણા સમયથી એસઓ, એસઆઇ અને એસએસઆઇ અન્ય વોર્ડમાં હાજરી પુરાવી પોતાના વોર્ડમાં હાજર થતા હોય છે. જેમાં વચ્ચેના સમયગાળા દરમ્યાન ગુલ્લી મારતા હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.કમિશનરે સેનીટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિત ૪૫ને શો-કોઝ નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કમિશનર વિભાગમાંથી તમામ એસઓ, એસઆઇ અને એસએસઆઇ નોટિસ પાઠવી જણાવવામાં આવેલ છે કે, તમો રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડનં. ઈણ માં એસ.ઓ./એસ.આઈ./એસ.એસ.આઈ. તરીકે ફરજ બજાવો છો. તમોને વોર્ડ વિસ્તારની સફાઇલક્ષી કામગીરીનું સુપરવિઝન કરવાની કામગીરી સોંપવામાં આવેલ છે. આપને આપના કાર્યસ્થળ પર લગાવેલ હાજરી માટેના ફેસ ડિટેકશન મશીનમાં હાજરી કરવાની હોય છે જે ઉક્ત વંચાણેનાં પરિપત્રથી જણાવવામાં આવેલ. પરંતુ આપના દ્વારા જાન્યુઆરી-2026માં આપના કાર્યસ્થળ સિવાય તમે તમારી હાજરી અન્ય જગ્યાએ કરવામાં આવેલ હોય તેવું એનેક્ષર-એ મુજબ ધ્યાને આવેલ છે.ઉપરોક્ત બાબતે તમારે તમારા કાર્યસ્થળ પર જ હાજરી કરવાની હોય છે. તમો દ્વારા શા કારણોસર અન્ય જગ્યાએ હાજરી કરવામાં આવેલ હોય ? જે અંગેનો ખુલાસો દિવસ ત્રણમાં રજુ કરશો. જો ખુલાસો નિયત સમયમર્યાદામાં રજુ ન કરવાના કિસ્સામાં તમો કશું કહેવા માંગતા નથી તેમ માની આગળની ધોરણસરની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવશે જેની ગંભીરતાથી નોંધ લેશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application