BREAKING NEWS

સાડા ચાર લાખથી વધુ ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન

  • October 27, 2025 12:14 PM 


દિવાળીના મીની વેકેશનમાં સૌરાષ્ટ્રના દ્વારકા સહિત તમામ ધાર્મિક સ્થળોએ હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, હર્ષદ, બેટ-દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્ર્વર, સુદર્શન બ્રીજ, મોમાઇ બીચ સહિતના સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ર૦ર૪ માં સુદર્શન બ્રીજ બનતા ફરવાલાયક લોકોની પહેલી પસંદ બેટ-દ્વારકા અને શિવરાજપુર બીચ રહ્યા છે ત્યારે આ દિવાળીના પર્વે સાડા ચારથી વધુ લોકોએ દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી.


ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ યાત્રાધામ દ્વારીકાનગરીમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી.


દિપાવલીના દિવસે જગત મંદિરમાં યોજાયેલા હાટડી દર્શન તથા બીજા દિવસે અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓનાં અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.


આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.દિવાળી પર્વ શ્રૃંખલા દરમિયાન ૪.૬૫ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશજીને શિશ ઝુકાવ્યુ હતુ. દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન - રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોવાથી રાત્રે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો.
જગત મંદિરમાં આવેલાં નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.


લોકવાયકા અનુસાર ભાઈબીજના દિને દ્વારકાધીશના અષ્ટપટ્ટરાણી પૈકીના એક યમુનાજીએ તેમના ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રણ આપ્યુ.બહેનનું આમંત્રણ સ્વિકારી ભાઈબીજના યમરાજે સોનાની દ્વારકામાં પધારી યમુનાજીના હાથે ભોજન કરી આશીર્વાદ પાઠવેલા કે,આજના દિને કોઈપણ વ્યક્તિ ગોમતીજીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજ કયારેય નડતરરૂપ થશે નહિં. ત્યારથી દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારની ગૃહીણીઓ દ્વારા ભાઈ બીજની સંધ્યાએ ગોમતી નદીમાં દિપ તરાવવામાં આવે છે.

​​​​​​​

દ્વારકાધીશને આ દિવસે સાંજે યમુનાજી સ્વરૂપનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.ભાઈબીજના પવિત્ર દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂં મહત્ત્વ હોય હજારો ભાવિકો એ આ પાવન દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તેમજ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ગોમતીજીની વિશેષ આરતી, દીપદાન તથા ચુંદડી મનોરથ ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોય ,હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. આ દિવાળીના પર્વેથી ગોમતીમાં રોજ સાંજે ૬ વાગ્યે વિશેષ આરતી શરૂ કરવામાં આવી છે. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાય છે.


ભાઈબીજના સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રે સેંકડો દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.


ભાવિકોની ભારે ભીડ વચ્ચેએન્ટ્રી ગેઇટ નં. ૨ ખસ્યો.. ભાઇબીજ પર્વે ભાવિકોની ભારે ભીડ વચ્ચે બપોરે એન્ટ્રી ગેઇટ નં. ૨ પાસે હંગામી સ્ટ્રકચર ખસી ગયુ હતુ.ભાવિકોની ભીડ સામે લાચાર તંત્ર દ્વારા બપોરના સમયે પુન: હંગામી ગેઇટને મુળ જગ્યા પર ગોઠવવો પડયો હતો.આ અંગે સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો હતો.


ત્યોહાર દરમ્યાન સુદર્શન સેતુ પર યાત્રાળુઓ-સહેલાણીઓનું ઘોડાપુર ઉમટ્યું

યાત્રાધામ બેટ દ્વારકાને જમીન માર્ગે ઓખા સાથે જોડતો સુદર્શન સેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ નવલુ નજરાણુ બની રહયો છે.દિવાળીના મીની વેકેશનમાં દ્વારકા આવતા હજારો યાત્રાળુઓ-સહેલાણીઓ આજુબાજુના ધાર્મિક-પર્યટક સ્થળોની અચૂક મુલાકાત લ્યે છે. જે સાથે ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન બેટ દ્વારકાના દર્શનાર્થે પણ આવે છે. દિવાળી પર્વ શ્રૃંખલા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓએ બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન સેતુની મુલાકાત લીઘી હતી જે સાથે યાત્રાળુઓ-સહેલાણીઓ સાથે વાહનો કતારબધ્ધ રીતે પુલ પર પસાર થતા જોવા મળ્યા હતા. જયારે અમુક લોકો પગપાળા પણ ભ્રમણ કરતા નજરે પડયા હતા.સુદર્શન સેતુ પર એક તબકકે ભારે ભીડ જોવા મળી હતી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application