રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન (૧૯ જુલાઈ સવારે ૬:૦૦થી ૨૦ જુલાઈ સવારે ૬:૦૦ વાગ્યા સુધી) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યના ૧૦૦થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સૌથી વધુ જલાલપોર તાલુકામાં 5.75 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં જલાલપોરમાં વધુ ૨.૩૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આથી 26 કલાકમાં જલાલપોરમાં આઠ ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૫.૭૫ ઇંચ (૧૪૬ મીમી) નોંધાયો છે. ત્યારબાદ નવસારી તાલુકામાં પણ ૪.૮૦ ઇંચ (૧૨૨ મીમી) જેટલો ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૩.૮૨ ઇંચ (૯૭ મીમી), જ્યારે ચીખલીમાં ૨.૪૮ ઇંચ, નાનાપોંઢામાં ૧.૯૭ ઇંચ અને કાપ્રડામાં ૧.૮૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપી, ઉમરગામ અને ધરમપુરમાં પણ ૧ થી ૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાતા નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ છે.
આજે સવારે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના બે કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૨.૩૬ ઇંચ (૬૦ મીમી) અને નવસારી તાલુકામાં ૨.૧૩ ઇંચ (૫૪ મીમી) નોંધાયો છે. આ ઉપરાંત ગણદેવીમાં ૧.૬૧ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત અને તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે, જેમાં બારડોલી અને વાલોડમાં ૦.૮૭ ઇંચ, પલસાણામાં ૦.૭૯ ઇંચ તથા ઉમરગામ અને વ્યારામાં ૦.૭૧ ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારે પડેલા આ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ૩.૦૭ ઇંચ (૭૮ મીમી) અને મહુવામાં ૨.૧૭ ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેર અને બારડોલી બંને તાલુકાઓમાં સરખો ૧.૭૩ ઇંચ (૪૪ મીમી) વરસાદ પડતાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉમરપાડા, કામરેજ, અંબિકા અને માંગરોળ તાલુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વાલોડમાં દોઢ ઇંચ અને વ્યારામાં ૧.૧૦ ઇંચ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર સોમનાથના તલાલામાં ૧.૦૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ, મેંદરડા, વિરમગામ, લિમ્બડી અને વાંકાનેરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો, વડોદરાના શિનોર, અને નર્મદાના સાગબારા તથા ચિકડામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.