રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા યોજાનારી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મંડળે તમામ ઉમેદવારોને પરીક્ષા સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવાની સૂચના આપી છે.
અમદાવાદમાં સાંજના 6 વાગ્યા સુધીમાં મેઘો મૂશળધાર
બાકરોલ: 11.5 ઈંચ (શહેરમાં સૌથી વધુ)
બોપલ: 10 ઈંચ
સરખેજ-જોધપુર: 9.5 ઈંચ
મક્તમપુરા: 8.5 ઈંચ
બોડકદેવ: 8.25 ઈંચ
વાસણા-થલતેજ: 8-8 ઈંચ
સાયન્સ સિટી: 8 ઈંચ
મેમનગર: 7.5 ઈંચ
નવરંગપુરા: 6.5 ઈંચ
ગોતા: 6.25 ઈંચ
ઉસ્માનપુરા: 6 ઈંચ
ચાંદલોડિયા: 5.75 ઈંચ
રાણીપ: 5.75 ઈંચ
ઓગણજ: 5.5 ઈંચ
મોટેરા: 4.25 ઈંચ
છેલ્લા ૨૪ કલાકથી રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરગામમાં ૧૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા કરી હતી, જ્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે.
રેસ્ક્યૂ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો ઉપરાંત ઓડિશાથી વધુ ૪ NDRF ટીમ બોલાવાઈ છે અને વલસાડ માટે સેનાની ૨ કોલમ તૈનાત કરાઈ છે. હાલ ૨૫થી વધુ બોટ દ્વારા ૧,૦૦૦થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે નવસારીમાં ૧૦ હજાર અને વલસાડમાં ૧૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તાપીમાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ભારે વરસાદના કારણે ૭ હાઈવે અને ૧,૧૦૦થી વધુ પંચાયત રસ્તા સહિત ૧,૨૦૦થી વધુ રસ્તા બંધ થયા છે તેમજ દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સાવચેતીના ભાગરૂપે દાહોદ, સુરત, નવસારી સહિત રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળના ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રખાઈ છે. સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જોખમ ન લેવા અપીલ કરી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં રાજકારણ યોગ્ય નથી અને સમગ્ર તંત્ર મેદાનમાં કાર્યરત છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગર તંત્ર એલર્ટ
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ રીતે સજ્જ બન્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે. નીચાણવાળા અને જર્જરિત મકાનોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા, પાણી ભરાવાની સ્થિતિમાં ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવા તેમજ ફ્લેશ ફ્લડના જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત, માર્ગો પરથી ધરેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત રાખવા અને નર્મદા કેનાલ આસપાસ બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા 'Sachet App' મારફતે ઝડપી માહિતી પહોંચાડવામાં આવશે, જેથી નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓ અનુસરવા જણાવાયું છે.