BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને 665 કરોડથી વધુ રકમની ચૂકવણી

  • December 18, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો આપવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ ૨,૪૧,૪૬૬ ખેડૂતોએ અરજી કરી હતી, જે પૈકી તા.૧૭ ડિસેમ્બર સુધીમાં ૨,૩૯,૨૧૫ અરજીની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. હાલ સુધીમાં કૃષિ રાહત પેકેજ હેઠળ રાજકોટ જિલ્લામાં ખેડૂતોને કુલ રૂ.૬૬૫ કરોડથી વધુ રકમની ચૂકવણી થઇ ચુકી છે તેમજ બાકી રહેતી અન્ય અરજીઓની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.


રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.૬૬૫ કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફતે સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી ચકાસણી પ્રક્રિયા સતત શરૂ છે.


કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે રાજકોટ જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતમાં જોગવાઈ મુજબ વીસીઈ મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજી મેળવવાનું તા.૧૪ નવેમ્બરથી શરૂ કરાયું હતું. અરજીની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થશે તેમ વ્હેલી તકે પાક નુકસાની સહાય પેકેજની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડી.બી.ટી મારફતે સીધી જમા કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

૬૫૨ ગામની ૯૯ ટકા અરજીનો નિકાલ

રાહત પેકેજ અન્વયે રાજકોટ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ૬૫૨ ગામ આવરી લેવામાં આવ્યા છે. અરજદાર તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવા અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામસેવક અને તાલુકાનાં કર્મયોગીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે ૯૯ ટકાથી વધુ અરજીની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે.


આધાર લિન્ક ખાતામાં જ રકમ જમા થશે

રાજકોટ જિલ્લામાં જે ખેડૂતોને આધાર સીડીંગ કરાવવાનું બાકી હોય તેઓને પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરાવી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી સહાયના નાણાં સરળતાથી ખેડૂતના ખાતામાં જમા થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application