સ્મશાન ગૃહોમાં ૭ વર્ષમાંં રુા. ૨૯ કરોડના ખર્ચે લગાવાતી ૬ હજારથી વધુ ભઠ્ઠીઓ

  • June 02, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથે પર્યાવરણ જાળવણી માટે ‘ગેડા’ નો વિશેષ પ્રયાસ: અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડામાં ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત

રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે.
ગેડા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે, જેને ઓછો કરી પર્યાવરણનું જતન કરવા માટે  સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાવવામાં આવે છે. સુધારેલ સ્મશાનભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત થઈ શકે છે. આ યોજનાનો મુળ હેતુ લાકડાની બચત સાથે માનવ શરીરના વધુ ઝડપી અને સ્વચ્છ અગ્નિસંસ્કાર માટે સુધારેલ સ્મશાનગૃહ વિકસાવવાનો છે. આ યોજના હેઠળ ગામના સ્મશાન ગૃહોમાં એક ઈલેક્ટ્રીક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. જેની જાળવણી પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા દ્વારા કરવામાં આવે છે.
સુધારેલ સ્મશાનગૃહ યોજના થકી ૧૦૦ ટકા હિંદુ પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોની આસ્થા અને માન્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે, હિંદુઓની એક મહત્વપૂર્ણ વિધિ કપાલ ક્રિયા અને પંચ સમાધિ જેવી વિધીઓનો પણ અનાદર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંપરાગત ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિની તુલનામાં સુધારેલ સ્મશાનગૃહના ઉપયોગથી ૪૦% થી વધુ લાકડાની બચત થાય છે. ખુલ્લી અગ્નિસંસ્કાર પદ્ધતિ માટે સ્મશાન દીઠ લગભગ ૩૫૦ કિલો લાકડાની જરૂર પડે છે, જ્યારે આ યોજના થકી લાકડાની બચત કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. સુધારેલ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવાથી ખુલ્લા અગ્નિ સંસ્કારની સરખામણીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.
આ યોજના વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૦૨ જેટલી સુધારેલ સ્મશાનભઠ્ઠી લગાડવામાં આવી છે. જેની પાછળ રાજ્ય સરકાર દ્વારા રુા.૩.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાએ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીનો સંપર્ક કરવાનો રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application