રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં ગઇકાલે થયેલા મતદાનમાં ૪૪.૩ ડિગ્રી મહત્તમ તાપમાન હીટવેવ વચ્ચે પણ ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયું હતું.
રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારના વોર્ડ નં.૧૫માં સૌથી વધુ ૬૮.૩૯ ટકા મતદાન અને ગાંધીગ્રામથી ઘંટેશ્વર સુધીના વોર્ડ નં.૧માં સૌથી ઓછું ૪૩.૧૨ ટકા મતદાન નોંધાયું હતું. ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં ૫૦.૮૮ ટકા મતદાન થયું હતું, જ્યારે ગઇકાલે તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.આઇ.આર અને ૨૭ ટકા ઓબીસી અનામતની પહેલી વખત અમલવારી તેમજ એન્ટી ઇન્કમ્બન્સી અને હિટ વેવ વચ્ચે મતદાન થયું છતાં ૦.૩૦ ટકા મતદાન વધ્યું છે.

૨૦૨૧ની ચૂંટણીમાં ૫,૫૪,૧૪૮ મતદારોનું મતદાન; ૨૦૨૬માં ૫,૦૪,૫૯૯નું મતદાન!
રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૧૦,૯૩,૯૯૧ મતદારો હતા જેમાંથી ૫,૫૪,૧૪૮ એ મતદાન કરતા ૫૦.૮૮ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે એસઆઇઆર બાદ રાજકોટમાં ૧.૦૮ લાખ મતદારોનો ઘટાડો થયો હતો, ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો હતા તેમાંથી ૫,૦૪,૫૯૯એ મતદાન કરતા ૫૧.૧૮ ટકા મતદાન નોંધાયું હતું. એસ.આઈ.આર.ને કારણે મતદારો ઘટતા મતદાનની કુલ ટકાવારી ઉંચી ગઇ છે પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ ગત ચૂંટણીની તુલનાએ આ વખતે ૪૯,૫૪૯ મતદારોનું મતદાન ઘટ્યું છે. મતદારોની સંખ્યા ઘટતા મતદાનની ટકાવારી તો વધે જ તે એક ગાણિતિક બાબત છે પરંતુ ગત ચૂંટણીની તુલનાએ આ વખતે મતદારો નિરસ રહ્યા તે વાત મતદાન કરનાર મતદારોની સંખ્યા ઉપરથી પ્રતિબિંબિત થાય છે.