ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજથી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયા કિનારે સર્જાનારી આ તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે(30મી જૂન) છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત વડોદરા અને આણંદ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે.

બીજી તરફ ત્રીજી અને ચોથી જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

ચોથીથી છઠ્ઠી જુલાઈ દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, એકસાથે ચાર મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે જે ભારે વરસાદ લાવશે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઑફશોર ટ્રફ અને મધ્ય પ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ સક્રિય છે. જ્યારે બીજી જુલાઈએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે અને આ ભારે વરસાદ થશે.

જૂન મહિનામાં 82% વરસાદની મોટી ઘટ
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર અશોક દાસે જણાવ્યું કે, 'આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી જ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 82 ટકાની ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત સાથે જ આ ઘટ પૂરી થાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે.'

