ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયામાં આજે ઘણી જગ્યાએ હાઈ-વોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની સાથે વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ, સુરત, વડોદરા સહિતની મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જોકે સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં કોકડું ગૂંચવાયું હતું, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પદાધિકારીઓના નામ સવારે દસ વાગ્યે જાહેર થવાના હતા. જોકે, આંતરિક વિખવાદ અને ખેંચતાણને કારણે બપોરે 1 વાગ્યા બાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા હતા.
હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ માયા માવાણી સુરતના મેયર બન્યા
સુરતમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા પછી ત્રણ કલાક બાદ મેયર તરીકે માયા માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શાસકપક્ષના નેતા અલ્પા મહેતા અને દંડક પદે ઊર્મિલા ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી હતી. સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના એક વાગ્યા બાદ મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા હતા. હરિફ જૂથો વચ્ચે ભારે લોબિંબ ચાલ્યું હતું. ત્રણ કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ હતો. જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે, રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય પણ સુરત મનપાના મેયર-ડેપ્ચુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય.
વડોદરામાં ગીતાબેન મકવાણા મેયર બન્યા
વડોદરા શહેરમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેયર તરીકે ગીતાબહેન મકવાણાની નિયુકિત કરવામાં આવી છે. વડોદરાના 31માં મેયર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. સામાન્ય સભામાં તમામ ચૂંટાયેલા સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા. 20 વર્ષ બાદ વડોદરા શહેરને એસ.સી મેયર મળ્યા છે. વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનની વરણી બાદ એવી ચર્ચા છે કે, તમામની વરણીમાં સંગઠનનો હાથ ઉપર રહ્યો છે. જ્યારે વડોદરામાં ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ, દંડક તરીકે વિજય ચૌહાણ અને શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછીની નિમણૂંક કરવામાં આવી છે.