BREAKING NEWS

રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ, ટોયલેટમાં ફસાયેલી વ્યક્તિનું મોત, લોકોના ટોળેટાળો, અફરાતફરીનો માહોલ

  • July 17, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી પાસે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા 'ઉત્તમ સોફા' નામના એક કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે આખું કારખાનું પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ગંભીર અકસ્માત દરમિયાન કારખાનાની અંદર આવેલા શૌચાલયમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની ટીમે ધુમાડાના ગોટેગોટા વચ્ચે જીવના જોખમે બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ભયાનક આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


ઘટનાની વિગત એવી છે કે, સવારે ૧૦:૧૪ વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને આ આગ અંગેનો ઈમરજન્સી કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને નજીકના કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડરો અને સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. જ્યારે ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારખાનામાંથી કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. ફાયર વિભાગની ત્રણ મોટી ગાડીઓ દ્વારા સમયસૂચકતા વાપરીને તુરંત જ ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.


આગની આ તબાહી વચ્ચે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી કે કારખાનાની અંદર એક વ્યક્તિ હજુ પણ ફસાયેલો છે. આ સાંભળતા જ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે સહેજ પણ સમય બગાડ્યા વિના અત્યંત બહાદુરીપૂર્વક ઝેરી ધુમાડા અને આગની જવાળાઓ વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો હતો. અંદર તપાસ કરતા જાણવા મળ્યું કે, જીવ બચાવવા માટે ફસાયેલો વ્યક્તિ અંદરના એક શૌચાલય (ટોયલેટ)માં ભરાઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ તે વ્યક્તિને બેભાન અને ગંભીર હાલતમાં શૌચાલયનો દરવાજો તોડી બહાર કાઢ્યો હતો અને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ કારખાનાના પાર્ટનર ચેતનભાઈ તરીકે થઈ છે.


રાજકોટ ફાયર વિભાગનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ. કે. જુનેજાએ આ સફળ રેસ્ક્યૂ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અમને કોલ મળતાની સાથે જ અમારી ટીમે તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ટોયલેટમાં ફસાયેલા વ્યક્તિને અત્યંત ઝેરી ધુમાડાની અસરમાંથી હેમખેમ બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો છે. અમારી ટીમે ભારે જહેમત બાદ અંદાજે ૨૦થી ૩૦ મિનિટ જેટલા ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો, જેથી આગ આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકી ગઈ હતી."


ફાયર વિભાગ અને પોલીસના જણાવ્યા અનુસાર, આ મોટી દુર્ઘટનામાં સદનસીબે સમયસર રેસ્ક્યૂ થવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જો કે, સોફા બનાવવાનું કારખાનું હોવાને કારણે અંદર રાખવામાં આવેલ ફોર્મ, કાપડ, લાકડાં સહિતનો મોટો જથ્થો, કાચો માલ અને તૈયાર સોફા સહિતનો તમામ કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. આથી કારખાના માલિકને ખૂબ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ પૂરતું આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે, પરંતુ આગ લાગવા પાછળ કોઈ બેદરકારી હતી કે કેમ તે જાણવા માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application