ગાંધીનગરના ચિલોડા ગામમાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક પ્રેમી યુગલે આંબાના ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ચિલોડા ગામના સરકારી બોર કુવા પાસે આવેલા આંબાના ઝાડે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મૃતકોની ઓળખ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ પુરુષ અને મહિલા બંને ચિલોડા ગામના જ વતની હતા અને તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલા પરિણીત હતી અને તેના પતિ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતીને સંતાનોમાં એક દીકરી છે, જેના લગ્ન પણ થઈ ચૂક્યા છે. બીજી તરફ, પ્રેમમાં અંતિમ પગલું ભરનાર પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.
આ કરુણ ઘટનાનો ખુલાસો આજે વહેલી સવારે થયો હતો, જ્યારે ગ્રામજનો પોતાના રોજિંદા કામ માટે ખેતરો તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં સરકારી બોર પાસે એક જ આંબાના ઝાડ પર બે લાશ લટકતી જોઈને લોકો હેબતાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ કિસ્સો પ્રેમ પ્રકરણનો હોવાનું અને સામાજિક મર્યાદાઓ અથવા સાથે ન રહી શકવાની મજબૂરીને કારણે બંનેએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
ચિલોડા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા એફએસએલ અને મામલતદારને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પોલીસ હાલમાં બંને મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા કરી રહી છે. પોલીસનું માનવું છે કે કદાચ સામાજિક બદનામીના ડરથી આ પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું હોઈ શકે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે, જેના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય સ્પષ્ટ થશે.