BREAKING NEWS

એક્ટિંગ છોડી બની પેરિઝાદ ઝોરાબિયન બિઝનેસ વુમન

  • June 27, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં દર વર્ષે સેંકડો ચહેરા પોતાની કિસ્મત અજમાવવા આવે છે, પરંતુ કેટલાક કલાકારો એવા હોય છે જે ટૂંકા કરિયરમાં પણ પોતાની અમીટ છાપ છોડી જાય છે. આવું જ એક જાણીતું નામ છે અભિનેત્રી પેરિઝાદ ઝોરાબિયન. પેરિઝાદે પોતાના કરિયરમાં અમિતાભ બચ્ચન, ઓમ પુરી અને શબાના આઝમી જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી હતી. પરંતુ લગ્ન પછી લાઈમલાઈટને અલવિદા કહી ચૂકેલી પેરિઝાદ આજે એક સફળ બિઝનેસ વુમન છે અને ૧૨૦ કરોડના વાર્ષિક ટર્નઓવર વાળો ફેમિલી પોલ્ટ્રી બિઝનેસ સંભાળી રહી છે.
તાજેતરમાં એક પોડકાસ્ટમાં પેરિઝાદે ખુલાસો કર્યો હતો કે તે પોતે એક 'એક્સિડેન્ટલ એક્ટ્રેસ' છે. માત્ર ૮ વર્ષની ઉંમરથી જ તેનું સપનું બિઝનેસ વુમન બનવાનું હતું. ભારતમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે એમબીએ કરવા ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં ન્યૂયોર્કની પ્રખ્યાત 'લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ'થી પ્રભાવિત થઈને તેણે એક વર્ષ એક્ટિંગના ક્લાસ પણ કર્યા. ભારત પરત ફર્યા બાદ તેણે પિતાના ફેમિલી બિઝનેસની કમાન સંભાળી લીધી હતી...બિઝનેસ સંભાળવાની સાથે જ પેરિઝાદના જીવનમાં નવો વળાંક આવ્યો. એક ફેમિલી ફંક્શનમાં મોડેલિંગ કો-ઓર્ડિનેટરની નજર તેના પર પડી અને તેને 'ફેર એન્ડ લવલી'ની જાહેરાત મળી. ત્યારબાદ ડિરેક્ટર નાગેશ કુકનૂરે તેને ફિલ્મ 'બોલિવૂડ કોલિંગ'માં ઓમ પુરી સામે લીડ રોલ આપ્યો. આગળ જતાં તેણે ‘જોગર્સ પાર્ક’, ‘મુંબઈ મેટિની’ અને ‘મોર્નિંગ રાગા’ જેવી હટકે ફિલ્મો કરી. પિતાના કહેવાથી તેણે બિઝનેસ છોડી પૂરો સમય એક્ટિંગને આપ્યો અને અમિતાભ બચ્ચન સાથે સુપરહિટ ફિલ્મ 'એક અજન્બી' માં પણ જોવા મળી.
૩૩ વર્ષની ઉંમરે પેરિઝાદે બિઝનેસમેન બોમન રુસ્તમ ઈરાની સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ બાદ પુત્રીના જન્મ પછી તેણે પરિવારને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન તેણે બોલિવૂડના શો-મેન સુભાષ ઘઈની ફિલ્મ ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ અને નિખિલ અડવાણીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’ જેવી મોટી ફિલ્મોની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.
જ્યારે પેરિઝાદ ટીવી અને થિયેટરમાં વ્યસ્ત હતી, ત્યારે તેના પિતાનો પોલ્ટ્રી બિઝનેસ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. પેરિઝાદે બોલિવૂડ છોડીને પોતાના પુસ્તૈની કામને ફરીથી બેઠું કરવાનો નિર્ણય કર્યો... પેરિઝાદનું માનવું છે કે તે પોતાની કંપનીને કોઈ કડક બોસની જેમ નહીં, પરંતુ પ્રેમ અને પૅશનથી ચલાવે છે. આજે તે પોતાના બે બાળકો (દીકરી જાહા અને દીકરો જયાન) અને પતિ સાથે એક સુખી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ જીવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application