યુએઈ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન સાથેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી તેલ અને ગેસની સપ્લાય પહેલેથી જ જોખમમાં છે. ઓપેકના જૂના સભ્ય હોવા છતાં, યુએઈએ પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવા માટે આ કડક વલણ અપનાવ્યું છે.
UAE સરકારે શું આપી સ્પષ્ટતા?
યુએઈના ઉર્જા મંત્રીએ આ નિર્ણય અંગે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના જણાવ્યું હતું કે, આ નિર્ણય લેતા પહેલા સઉદી અરબ કે અન્ય કોઈ દેશ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. યુએઈ પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સક્ષમ છે. દેશની વર્તમાન અને ભવિષ્યની તેલ ઉત્પાદન ક્ષમતાની વ્યાપક સમીક્ષા બાદ આ પગલું લેવાયું છે. યુએઈ હવે બજારની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર રીતે તેલનું વેચાણ અને ઉત્પાદન કરી શકશે.
સઉદી અરબ અને ઓપેક માટે ચિંતાનો વિષય
સઉદી અરબ આ સંગઠનનું નેતૃત્વ કરે છે અને ઓપેક હંમેશા ઉત્પાદન કોટા નક્કી કરીને તેલના ભાવોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. યુએઈ જેવા મોટા ઉત્પાદક દેશના બહાર નીકળવાથી સંગઠનની એકતા નબળી પડશે. ખાસ કરીને જ્યારે ઈરાની ધમકીઓને કારણે હોર્મુઝનો રસ્તો બંધ થવાના આરે છે, ત્યારે ઓપેકની મુશ્કેલીઓ વધી શકે છે.
અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફાયદાકારક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટી રાજદ્વારી જીત માનવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક પર તેલના ભાવ વધારીને 'વિશ્વને લૂંટવાનો' આરોપ લગાવતા રહ્યા છે. રશિયા અને સઉદીના વર્ચસ્વવાળા આ ગ્રુપમાં પડેલું આ ગાબડું અમેરિકાના હિતમાં હોઈ શકે છે, કારણ કે તેનાથી તેલ બજાર પર ઓપેકની પકડ ઢીલી પડશે.
શું છે ઓપેક અને ઓપેક પ્લસ?
ઓપેકની સ્થાપના ૧૯૬૦માં તેલ ઉત્પાદન અને વેચાણ માટેની સમાન નીતિ બનાવવા થઈ હતી. શરૂઆતમાં ઈરાક, ઈરાન, કુવૈત, સઉદી અરબ અને વેનેઝુએલા તેના સભ્યો હતા. પાછળથી લીબિયા, નાઈજીરિયા અને યુએઈ જેવા દેશો જોડાયા હતા. OPEC+ ની વાત કરીએ તો ઓપેકના ૧૨ સભ્યો ઉપરાંત રશિયા, કઝાકિસ્તાન અને મલેશિયા જેવા અન્ય ૧૦ દેશો મળીને 'ઓપેક પ્લસ' બને છે.
યુએઈના આ માસ્ટરસ્ટ્રોક બાદ હવે તેલના ભાવમાં કેવા ફેરફાર થાય છે અને રશિયા તથા સઉદી અરબ આના પર શું પ્રતિક્રિયા આપે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.